- હાલોલ ખાતેના સાત યુનિટમાં સવારથી જ આઇટી અધિકારીઓની ટીમ પહોંચી
- દરોડાની સાથે પોલિકેબના શેરના ભાવમાં રૂ.260નું ગાબડું
- સવારે 6 વાગ્યાથી જ આઇટી અધિકારીઓ ત્રાટક્યા
કેબલ અને તાર બનાવતી કંપની પોલિકેબનાં 50 સ્થળો પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આઈટીની રેડના પગલે કંપનીનાં શેરનાં ભાવમાં 4 ટકાનો કડાકો બોલી ગયો છે. કંપનીની મુંબઈમાં આવેલી ઓફિસો તેમજ ટોચનાં અધિકારીઓનાં ઘર તેમજ ઓફિસોમાં દરોડાની કામગીરી ચાલી રહી છે. આને કારણે પોલિકેબ ઈન્ડિયાના શેરનાં ભાવમાં ગાબડું પડયું છે. પોલિકેબ દેશની કેબલ બનાવતી સૌથી મોટી કંપની છે. કેબલ બનાવતી કંપની 23 જેટલા ઉત્પાદન એકમો અને 15થી વધુ ઓફિસો તેમજ 25થી વધારે ગોડાઉનો ધરાવે છે. તેનો કારોબાર આખા દેશમાં ફેલાયેલો છે. સપ્ટેમ્બરમાં કંપનીએ સારો નફો દર્શાવ્યો હતો જે 59 ટકા વધીને રૂ. 426 કરોડ થયો હતો.
ઈન્કમ ટેક્સ વિભાગે કેબલ અને વાયર મેન્યુફેક્ચરિંગ કંપની પોલિકેબ ઈન્ડિયા લિમિટેડના 50 થી વધુ સ્થળો પર દરોડા પાડતા શેરમાં રૂ.260નું ગાબડું પડયું હતું. પોલિકેબ ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં દરોડા પડયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા 5638 ખૂલીને 5304 થઈને શેરબજાર બંધ થતા 5360 બંધ રહ્યો હતો. પોલિકેબ ઈન્ડિયા લિમિટેડનો મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં માર્કેટ કેપ 80493 કરોડ ધરાવે છે.
હાલોલમાં આવેલી રજિ. ઓફિસમાં પણ તપાસ
દેશમાં કેબલ અને વાયર તથા એફએમઇજી (ફાસ્ટ મુવિંગ ઇલેક્ટ્કિ ગુડ્સ)ના ટોચની ઉત્પાદક કંપની પોલિકેબ ઇન્ડિયા લિ.ની હાલોલના નુરપુરા તથા તેની આસપાસના વિસ્તારમાં આવેલી સાત ફેકટરીઓ ઉપર સવારથી જ ઇનકમટેક્સના ઇન્વેસ્ટિંગેશન વિંગના અધિકારીઓએ કાળાનાણાં સામેની ઝુંબેશના ભાગ રૂપે દેશવ્યાપી દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. મુંબઇની ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓ દ્વારા પોલિકેબની હાલોલ – વડોદરા રોડ પર નુરપુરા ખાતે આવેલી રજિસ્ટર્ડ ઓફિસ સહિત તમામ સાતેય ફેકટરીઓમાં વહેલી સવારથી જ સશસ્ત્ર પોલીસ કુમક સાથે ઇન્કમટેક્સના અધિકારીઓએ દરોડા પાડયા હતા. ગત નવેમ્બર માસમાં જ વડોદરાની આર.આર. કેબલ જૂથની કંપનીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા બાદ આ બીજી કેબલ ઉત્પાદક કંપની ખાતે ઇન્કમટેકસે કાર્યવાહી કરી છે. કેબલ ઉત્પાદનમાં જંગી કરચોરી થઇ હોવાનું બહાર આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમદાવાદમાં આવેલી સેલ્સ ઓફિસ રડાર પર
અમદાવાદમાં પોલિકેબની ચાર જેટલી સેલ્સ ઓફિસમાં દરોડાની કામગીરી કરીને મોટીમાત્રા વાધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. કેબલ વાયર અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો બનાવનાર કંપનીના દસ જેટલા ડિરેક્ટરોના રહેઠાણે અને ઓફિસમાં તપાસ કરતા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોના દસ્તાવેજો મળી આવ્યા છે.


