રાઇડસ માટેના પ્લોટ રમકડા, અન્ય ધંધાર્થીને આપવા કે કેમ? બપોર પછી પ્રાંત અધિકારી કલેકટરને મળીને આખરી નિર્ણય જાહેર કરશે
..તો રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત એવુ બનશે કે રાઇડસ વગરનો નિરશ રહેશે
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પગલે સાવચેતીના પગલા રૂપે રાજય સરકાર દ્વારા લોકમેળાના રાઈડ સંચાલકો માટે ખાસ એસઓપી (ગાઈડલાઈન) અમલી બનાવી દેવામાં આવી છે. આ એસઓપીના આકરા નિયમો સામે લોકમેળાના રાઈડ સંચાલકો અને કલેકટર તંત્ર વચ્ચે લાંબા સમય સુધી મડાગાંઠ ચાલી, ત્રણ-ત્રણ વખત હરાજી નિષ્ફળ રહી. ન તો તંત્ર ઝૂક્યુ કે ન તો કલેકટર તંત્ર ઝૂક્યુ. અંતે રાઇડસ વગર જ મેળો યોજાય એ આ લખાય છે ત્યા સુધી તો છેલ્લી સ્થિતિએ નક્કી જ છે. લોકમેળા સમિતિનું સંચાલન કરતા પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ બપોર પછી કલેકટરને મળીને રાઇડસ માટેના પ્લોટનું હવે શું કરવુ? રમકડા કે અન્ય સ્ટોલ માટે ફાળવી દેવા કે કેમ? તે અંગે બપોર પછી આખરી નિર્ણય લેવાશે.
લોકમેળા સમીતી અને કલેકટર તંત્ર દ્વારા આજે બપોરના જુની કલેકટર કચેરી ખાતે રાઈડના પ્લોટ માટે વધુ એક વખત હરરાજી રાખવામાં આવી હતી. પરંતુ રાઈડના પ્લોટ માટે ફોર્મ ભરનાર રાઈડ સંચાલકોએ એસઓપીના આકરા નિયમોના પગલે આ હરરાજીથી મોં ફેરવી લીધુ હતું અને હરરાજીમાં ફરકયા ન હતા.
રાઈડ સંચાલક હારૂનભાઈ શાહમદારે જણાવ્યું હતું કે રાઈડ સંચાલકો માટેની આકરી એસઓપીના નિયમો તેઓને મંજુર નથી. જેમાં ફાઉન્ડેશન, એનડીટી રિપોર્ટ સોઈલ ટેકસ સહિતના નિયમો તેઓને મંજુર નથી. હવે રાજય સરકાર એસઓપીમાં ફેરફાર કર્યા બાદ તેઓને હરરાજી માટે બોલાવે તો જ તેઓ હરરાજીમાં ભાગ લેશે તેમ તેઓએ જણાવ્યું હતું.
SOP સરકારની છે, જનસુરક્ષા માટે છે, કોઇ બાંધછોડ નહીં : કલેકટર
રાજકોટ લોકમેળા રાઇડ્સ ધારકો અને તંત્ર વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે જીલ્લા કલેક્ટર પ્રભવ જોશીના કહેવા મુજબ ટીઆરપી કાંડી પછી રાજ્ય સરકારે સુરક્ષાને લઇને ખાસ એસ.ઓ.પી. બનાવી છે. હું એમા કોઇ બાંધછોડ ન કરી શકુ. નિયમો જનસુરક્ષા માટે છે. રાઇડસ માટે ફાઉન્ડેશન સહિત જે કોઇપણ નિયમો બનાવ્યા છે તેની સામે રાઇડસ સંચાલકોનો ગમે તેવો વિરોધ હોય, રાઇડસ ન પણ રાખે તો પણ રાઇડસ વગર મેળો યોજવા તંત્ર તૈયાર છે બાકી નિયમોમાં કોઇ બાંધછોડ કરવામા નહીં આવે.
આ ત્રણ મુદ્દાને લઇને મડાગાંઠ ન ઉકેલાઇ
(૧) ફાઉન્ડેશન(દોઢ લાખનો ખર્ચ થાય) : નવા એસઓપી મુજબ ફજેતફાળકાના પાયા નાખવા માટે નવા નિયમમ મુજબ ચોક્કસ ઉંડાઇ સુધી સિમેન્ટ-ક્રોંકીટનું ફાઉન્ડેશન કરવુ ફરજિયાત છે. રાઇડસ સંચાલકોનો વિરોધ એવો છે કે, પરમેનેન્ટ રાઇડસ હોય ત્યા આ પ્રકારનું ફાઉન્ડેશન પોંસાય પાંચ-છ દિવસ માટે આ પ્રકારે ફાઉન્ડેશન કરવા પાછળ દોઢથી પોણા બે લાખનો વધારાનો ખર્ચ થાય.
(૨)એન.ડી.પી.સર્ટિફિકેટ(૮૦ હજારનો ખર્ચ થાય) : રાઇડસના ટેકનીકલ અને ફીજીબલ ક્લીયરન્સ માટે સરકાર નિયુક્ત એજન્સી દ્વારા સર્ટીફિકેટ આપવામા આવે છે. આ સર્ટિફિકેટ માટે વધારાના રૂ.૮૦ હજાર આસપાસ ખર્ચ આવી શકે છે. જેની સામે રાઇડસ સંચાલકોનો વિરોધ છે.
(3) સોલ્ડ રિપોર્ટ : જે જગ્યાએ ફજેતફાળકા કે અન્ય હેવી રાઇડસ નાખની હોય ત્યા જમીનની મજબૂતા માટે સોલ્ડ રિપોર્ટ કઢાવવાની જવાબદારી રાઇડસ સંચાલકો ઉપર ઢોળી દેવામા આવ્યો છે. આ ખર્ચ કરવા સામે પણ વેપારીઓએ નનૈયો ભણી દીધો છે.
મનોરંજનની આત્મા વગરનો મેળામાં શું મજા આવશે?
ફનવલ્ડ મેળાની રાઇડસનો વિકલ્પ બની શકે
જરૂર છે માત્ર હંગામી ધોરણે વચ્ચેની દિવાલ તોડી રસ્તો કાઢવાની
લોકમેળો એ મનોરંજનનું એક અદભૂત માધ્યમ છે. કે જ્યા બાળકોથી માંડી વડિલો સૌ કોઇ આનંદ માણવા આવે છે. સૌરાષ્ટ્રના લોકમેળાની સંસ્કૃતિ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. બીજુ એ કે મેળાના મનોરંજનની આત્મા એ રાઇડસ અને ફજેતફાળકા હોય છે. રમકડા કે અન્ય ખરીદીની ચીજવસ્તુ માટે તો રાજકોટની બજારમાં કાયમ મળે જ છે. રાઇડસ અને ફજેત ફાળકામાં આનંદ માણવા માટેનો વર્ગ મોટો છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં. આ વાત ધ્યાનમાં રાખીને લોકમેળો રાઇડસ વગર નિરસ ન રહે તે માટેનો વિકલ્પ કલેકટર તંત્ર પાસે સાવ નજીકમાં અને સરળ છે. રેસકોર્સના મેદાનની બાજુમાં જ ફનવલ્ડ છે. રાજકોટની જનતા તો ફનવલ્ડમાં સાતમ-આઠમના તહેવાર વગર પણ જઇ શકે છે પરંતુ રાજકોટના લોકમેળામાં ગામોગામથી લોકો સપરિવાર આવે છે. તેને ધ્યાનમાં રાખીને રાઇડસનો લાભ તેને મળે એ માટે ફનવલ્ડનો વિકલ્પ અપનાવી શકે છે. આ માટે ફનવલ્ડના સંચાલકો સાથે હંગામી કોન્ટ્રાક્ટ કલેકટર તંત્ર ગોઠવી શકે છે. માત્ર જરૂર એટલી છે કે, મેળાના મેદાન અને ફનવલ્ડ વચ્ચેની દિવલમાં ત્રણથી ચાર એન્ટ્રી અને એક્ઝીટ ગેટ હંગામી ધોરણે બનાવવામા આવે તો લોકમેળામાં રાઇડસની ખોટ પુરી થઇ શકે છે.
આઇસ્ક્રીમના વેપારીઓ પણ આડા ફાટ્યા, હવે સીધી કંપનીનો સંપર્ક કરી સ્ટોલ અપાશે
આઇસ્ક્રીમના સ્ટોલ માટે વ્યક્તિગત રીતે ફોર્મ ઉપડ્યા જ હતા પરંતુ તેમા પણ અમુક પ્રશ્નોને લઇને મડાગાંઠ સર્જાતા વ્યક્તિગત વેપારીઓએ ફોર્મ ભર્ય નથી. જો કે તેનો વિકલ્પ કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી લોકમેળા સમિતિએ હેવમોર, અમુલ, વાડીલાલ જેવી કંપનીઓનો સીધો સંપર્ક કરી કંપની પોતે જ સ્ટોલ નાખે તેવા પ્રયાસ ચાલી રહ્યા છે.