ઇટાલીના પીએમ જ્યોર્જિયો મેલોની તેમની સરકાર સામે ચાલી રહેલી તપાસને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મેલોની સરકાર પર આંતરરાષ્ટ્રીય ગુનેગાર ઓસામા અલ-મસરી નજીમને મુક્ત કરવાનો અને સરકારી હવાઈ જેટનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ન્યાય અને ગૃહમંત્રીઓએ જાણી જોઈને નાઝિમને મુક્ત કર્યો અને સરકારી વિમાનનો દુરુપયોગ કર્યો હોવાની તપાસ હજુ યથાવત છે. જો તપાસમાં સરકાર વિરુદ્ધ પુરાવા મળે, તો મેલોનીની સત્તા જોખમમાં મુકાઈ શકે છે.
માફિયામાં કેવી રીતે ફસાયા મેલોની ?
મેલોની સરકાર પર ગદ્દાફીના સમયમાં લિબિયામાં તબાહી મચાવનારા ગુનેગારોને મુક્ત કરવાનો આરોપ છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની મુશ્કેલીમાં મુકાયા છે. મેલોની સરકાર પર એક આંતરરાષ્ટ્રીય ગુનેગારને મુક્ત કરવાનો અને હવાઈ જેટનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ઇટાલીમાં સરકાર વિરુદ્ધ તપાસ શરૂ થઈ ગઈ છે. જો તપાસમાં સરકાર વિરુદ્ધ કોઈ પુરાવા મળે છે, તો તેની અસર આગામી સમયમાં મેલોનીની શક્તિ અને પદ પર જોવા મળી શકે છે. જાન્યુઆરી 2025માં લિબિયાના કુખ્યાત ગુનેગાર ઓસામા અલ-મસરી નજીમની ઇટાલિયન અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને થોડા દિવસો જેલમાં રાખ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. ઇટાલિયન સરકાર પર આરોપ છે કે તેણે એક કુખ્યાત ગુનેગારને, જેની સામે આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યું હતું, નિયમોનું પાલન કર્યા વિના છોડી મૂક્યો. નાઝિમ પર સામૂહિક હત્યા અને બળાત્કારનો આરોપ છે. નાઝિમ પર જેલ તોડીને ભાગી જવાનો પણ આરોપ છે.
મેલોની સરકાર શા માટે તપાસ હેઠળ છે?
ન્યાય પ્રધાન કાર્લો નોર્ડિયો અને ગૃહ પ્રધાન માટ્ટેઓ પિયાન્ટેડોસીએ હસ્તક્ષેપ કર્યો અને આરોપી નાઝિમને 48 કલાકની અંદર ઇટાલીમાંથી બહાર કાઢ્યો હતો. બંને પર સરકારી જેટનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓએ ખાસ રસ લીધો અને આરોપી નાઝિમને ઇટાલીની બહાર મોકલી દીધો હતો. એક તરફ, સ્થાનિક ન્યાયાધીશ આ મામલાની તપાસ કરી રહ્યા છે. હવે ICC એ પણ ઇટાલી સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. આંતરરાષ્ટ્રીય અદાલતે કહ્યું કે આરોપીને હેગ મોકલવાને બદલે ઇટાલીની બહાર કેમ મોકલવામાં આવ્યો?
ઇટાલિયન સરકાર પર પૈસા લેવાનો આરોપ
લિબિયામાં મુહમ્મદ ગદ્દાફીના બળવા દરમિયાન, નજીમે લોકોની સામૂહિક હત્યાકાંડ આચર્યો હતો. તેના પર મહિલાઓ અને છોકરીઓ પર બળાત્કાર કરવાનો પણ આરોપ છે. ત્યારબાદ લિબિયાની નવી સરકારે તેને જેલમાં ધકેલી દીધો હતો. પરંતુ નજીમ જેલ તોડીને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પૈસાની મદદથી તે પહેલા ઇટાલી પહોંચ્યો અને પછી ઇટાલીથી પણ ભાગી ગયો હતો. એવો આરોપ છે કે તેણે ઇટાલીથી ભાગી જવા માટે સરકારી લોકોને ઘણા પૈસા આપ્યા હતા. દરમિયાન, ઇટાલિયન વિપક્ષી નેતાઓ કહે છે કે મેલોની જાણી જોઈને મંત્રીઓની તપાસ કરાવી રહ્યા છે. ગ્રીન યુરોપ પાર્ટીના સાંસદ એન્જેલો બોનેલીએ કહ્યું કે જે રીતે એક આંતરરાષ્ટ્રીય દાણચોરને મુક્ત કરવામાં આવ્યો તે શરમજનક છે. મેલોનીએ આની જવાબદારી લેવી જોઈએ. આ ઘટના બાદ ઇટાલી અને લિબિયા વચ્ચેના વેપાર સંબંધો પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. વર્ષ 2023માં ઇટાલીએ લિબિયા સાથે 6944 કરોડ રૂપિયાના ગેસ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.


