મૂળ જામનગરના રહેવાસી અને હાલ જયપુરમાં ફરજ બજાવતા ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) ના એકાઉન્ટન્ટ મેમ્બર કમલેશ રાઠોડની CBI દ્વારા ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. CBI એ જયપુર ITAT બેન્ચમાં અપીલ સેટલમેન્ટના નામે ચાલતી એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.
અપીલ સેટલમેન્ટના નામે વહીવટ
સીબીઆઈની તપાસમાં બહાર આવ્યું છે કે ITAT, જયપુર ખાતે મેમ્બર તરીકે ફરજ બજાવતા કમલેશ રાઠોડ કેસ અને અપીલ સેટલમેન્ટ કરાવી આપવાનું કામ કરતા હતા. CBI દ્વારા આ સિન્ડિકેટનો પર્દાફાશ થતાં જ કમલેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી.
કરોડોની રોકડ અને દસ્તાવેજો જપ્ત
CBI એ કમલેશ રાઠોડના જયપુર સ્થિત નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ દરમિયાન તેમના ઘરમાંથી ₹20 લાખની રોકડ મળી આવી હતી. ધરપકડ અને ત્યારબાદની ત્રણ દિવસની તપાસ દરમિયાન કુલ ₹1.30 કરોડની રોકડ (કેશ) જપ્ત કરવામાં આવી છે.આ ઉપરાંત, લેવડ-દેવડની માહિતી, પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો તેમજ આ સિન્ડિકેટની કામગીરીને લગતા વાંધાજનક દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે.CBI દ્વારા જપ્ત કરાયેલી કુલ રોકડમાંથી મોટાભાગની રકમ (લગભગ ₹1.20 કરોડ) તેમના ઘરેથી મળી આવી હતી.
કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા
ધરપકડ બાદ આરોપી કમલેશ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે તેમના ૧ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. CBI આ રિમાન્ડ દરમિયાન સિન્ડિકેટના અન્ય સભ્યો અને સમગ્ર કૌભાંડની વધુ માહિતી મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરશે. તપાસ દરમિયાન અન્ય મહત્ત્વના ખુલાસા થવાની શક્યતા છે.


