- મેરીયા નદીના પુલ પર રેતીના દોઢથી બે ફૂટના થર
- તાડપત્રી ઢાંક્યા વિના બેફામ દોડતા રેતી ભરેલા ડમ્પરો
- હાઈવા ચાલકોથી અન્ય વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 56 પરના જબુગામથી બોડેલી માર્ગ પર નાના વાહનચાલકો સહિત દ્વિ-ચક્રી વાહન ચાલકો ઉડતી ઝીણી રેતીના કણના કારણે ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જબુગામથી બોડેલી રસ્તા પર તેમજ મેરીયા નદીના પુલ પર રેતીના દોઢથી બે ફુટના થર જામી ગયા છે. જેમાં રસ્તા પર ઉડતી ઝીણી રેતીની ધૂળ દ્વિ-ચક્રી વાહન ચાલકોની આંખમાં પડતા વાહનચાલકોને મુશ્કેલી પડે છે. જેથી અકસ્માત ઝોન ગણાતા હાઈવે માર્ગ પર અકસ્માતોનુ પ્રમાણ વધવા પામ્યું છે. જેથી આ હાઈવે માર્ગ પર રેતી ભરીને દોડતા ડમ્પરો, હાઈવા ચાલકોથી અન્ય વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
વાહન વ્યવહારથી ધમધમતા જબુગામ બોડેલી ધોરીમાર્ગ પર રાત દિવસ તાડપત્રી ઢાંક્યા વિના જ રેતી ભરીને બેફમ રીતે રેતીના ડમ્પરો, હાઈવા ટ્રકો, ટ્રેકટરોના ચાલકો હંકારતા હોય છે. પાછળ આવતા વાહન ચાલકોની આંખોમાં આ રેતી ઉડીને પડતી હોય છે. જેના કારણે હજારો વાહનચાલકો આવા ટ્રક,હાઈવા, ડમ્પર ચાલકોથી ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. ત્યારે ગતરોજ જબુગામનો યુવાન સાંજના સુમારે પોતાની બાઈક લઈને માર્ગ પરથી પસાર થતા રેતીના ઢગલા પર બાઈક સ્લીપ થતાં ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બેફમ રેતી ભરીને તાડપત્રી ઢાંક્યા વિના દોડતી ટ્રકો, હાઈવામાંથી ઉડતી રેતી રોડની સાઈડ પર લાય છે. જેને કારણે માર્ગ પર અવાર નવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જબુગામના ખેડૂત આગેવાન મારુતિસિંહ રણાના જણાવ્યા મુજબ, રેતીની ધૂળની ડમરીઓ ઉડીને આસપાસના ખેતરોમાં ફેલાવાથી ખેતી પાકોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. સાથે સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાઈ રહ્યું છે. તેમ છતાં આવા ટ્રકચાલકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. બોડેલીના વેપારી અગ્રણી પ્રદિપસિંહ ચાવડાના જણાવ્યા મુજબ, આ હાઈવે માર્ગ પર રાત દિવસ દરમિયાન પુર ઝડપે રેતી ભરીને ટ્રકો ડમ્પરો દોડતા હોય છે. ત્યારે હાઈવે માર્ગ પરથી હાઈવા, ડમ્પરો ટ્રકોમાં ભરેલી રેતી ઉડતી હોય છે. જેના કારણે પાછળથી આવતા નાના મોટા વાહનચાલકોની આંખોમાં આ રેતી ઉડીને પડતી હોય છે. ત્યારે ઘણી વખત હાઈવે માર્ગ પર નાના મોટા અકસ્માતોના બનાવો વધવા પામ્યા છે. લાખોના ખર્ચે બનેલા રસ્તા પર ઉડતી ઝીણી રેતીની રજની ધૂળના કારણે વાહનચાલકો પરેશાન થયા છે. ત્યારે માર્ગ પર ફેલાયેલા રેતીના થર સહિતના માર્ગને અડીને બનેલા ઢગલા હટાવવામાં નહિ આવે તો બોડેલી તાલુકાની પ્રજા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.


