ACBના છટકામાં રૂપિયા લેતા રંગે હાથ દબોચાયા : પાસાની કાર્યવાહી ન કરવા અને અસલ કાગળોની ફાઇલ પરત આપવા માંગી હતી લાંચ
અગ્ર ગુજરાત, રાજુલા
સરકારી વિભાગોમાં વહિવટ સિવાય કામગીરી થતી નથી તેવા બનાવો દૈનિક સામે આવી રહ્યાં છે. અમરેલીમાં પોલીસ અધિકારી, કોન્સ્ટેબલ અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા હતા.
ACBએ અમરેલી જિલ્લામાં એક મોટી કાર્યવાહી કરીને પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના PSI, એક પોલીસ કર્મચારી અને એક ખાનગી વ્યક્તિ (વચેટિયા) ને ₹3,00,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
આ કેસની વિગત મુજબ, ફરિયાદી અને સાક્ષી વિરુદ્ધ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ હતો. આ ગુનાની તપાસ PSI આર.એમ. રાધનપુરા કરી રહ્યા હતા. ફરિયાદી વિરુદ્ધ PASAની કાર્યવાહી ન કરવા અને સાક્ષીના ટ્રકના અસલ કાગળોની ફાઈલ પરત આપવાના બદલામાં PSI રાધનપુરા અને પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલા વતી આરીફભાઇ રવજાણી નામના શખ્સે ₹3,00,000ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમરેલી ACBનો સંપર્ક કર્યો હતો. જે આધારે આજે તા. 21/01/2026 ના રોજ રાજુલા પાસે આવેલી સહયોગ હોટલ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન, ખાનગી વ્યક્તિ આરીફભાઇ રવજાણીએ પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલા સાથે ટેલિફોનિક વાતચીત કરી ખાતરી કરી હતી. ત્યારબાદ PSI અને પોલીસ કર્મચારી વતી આરીફભાઇએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને સ્થળ પર દબોચી લીધો હતો. જોકે, PSI રાધનપુરા અને પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલા સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા, પરંતુ ગુનામાં તેમની સીધી સંડોવણી ખુલતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટ્રેપીંગ અધિકારી આર.ડી. સગર (ઇ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર, અમરેલી એસીબી) અને તેમની ટીમ દ્વારા સુપરવિઝન અધિકારી એસ.એન. બારોટ (મદદનીશ નિયામક, ભાવનગર એસીબી એકમ) અને ઇન્ચાર્જ અધિકારી બળદેવસિંહ વાઘેલા (નાયબ નિયામક, એસીબી રાજકોટ)ના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ACBની આ સફળ કામગીરીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાગૃત નાગરિકની હિંમતને કારણે લાખોની લાંચનું આ કૌભાંડ ખુલ્લું પડ્યું છે.
આરોપીઓની વિગત
- આર.એમ. રાધનપુરા – PSI, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન.
- આશિષસિંહ ઝાલા – પોલીસ કર્મચારી, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન.
- આરીફભાઇ અકબરઅલી રવજાણી – પ્રજાજન (વચેટિયો), રહે. મોણપર, તા. મહુવા.


