રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર દિગંત બહોરાએ ઇન્ટરનેશનલ ટર્મીનલ ઓક્ટોબરથી ચાલુ થઇ જશે તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડીમ પ્રોજેક્ટ રાજકોટ હીરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ કક્ષાનું બન્યુ છે તેવી ગુલબાંગ ઝીંકવામા આવી હતી. અધુરા કામે લોકાર્પણ પણ કરી નાખવામા આવ્યુ. હાલ ડોમેસ્ટિક ફ્લાઇટ જ ઉડાન ભરે છે અને હીરાસરથી વિદેશની ફ્લાઇટ ઉડાન નહીં ભરી શકે તેવુ સ્થાનિક એરપોર્ટ ઓથોરિટીએ જાહેર કરતા જ રાજકોટમાં લોક લડત ચાલુ થઇ. વિપક્ષ કોંગ્રેસે શાસકોને ભીડવવા માટે લગલગાટ લડત ચલાવી. મીડિયાએ પણ આ લડતને ઉપાડી અને અંતે ગણતરીની કલાકોમાં જ તેનો સીધો રેલો કેન્દ્રના એરપોર્ટ ઓથોરિટીને આવતા નિર્ણય જાહેર કરવામા આવ્યો કે હીરાસર એરપોર્ટથી વિદેશની ફ્લાઇટ ઉડાન ભરશે. ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ એરપોર્ટ સેવા ચાલુ થઇ જશે તેવી સતાવાર જાહેર રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર દિગંત બહોરાએ સંદેશો જારી કર્યો છે.
અદાણીને ખટવવા માટેનો આક્ષેપ ઉઠતા મામલો દેશ લેવલનો બની ગયો
રાજકોટ એરપોર્ટને અદાણીને હવાલે કર્યા બાદ જ ઇન્ટરનેશનલ હવાઇ સેવા ચાલુ કરવાની પેરવી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. તેના સીધા પડઘા રાષ્ટ્રીય ભાજપની નેતાગીરી સુધી પહોંચ્યા હોય તેમ ગણતરીની કલાકોમાં જ સતાવાર જાહેરાત કરવી પડી કે, ઓક્ટોબરથી રાજકોટ હીરાસર એરપોર્ટથી વિદેશની ફ્લાઇટ ઉડાન ભરતી થઇ જશે.
ગાડા નીચે કુતરુ ચાલે અને કહે ભાર હું ઉપાડુ!
ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ લીંબડ જશ ખાટવા લાગ્યા
હીરાસર એરપોર્ટથી વિદેશની ફ્લાઇટ ઉડાન નહીં ભરી શકે તેવા નિર્ણય બાદ કોંગ્રેસ અને રાજકોટના મીડિયાએ દિલ્હી સ્થિત એરપોર્ટ ઓથોરિટીને ઢંઢોળવા માટે લડત ચલાવી. તેન સીધો જ રેલો રાજ્ય અને કેન્દ્ર સરકારને આવતા હીરાસર એરપોર્ટ ઓક્ટોબરથી વિદેશની ફ્લાઇટ ઉડાન ભરશે તેવો નિર્ણય લેવાતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ લીંબડ જશ ખાટવા નીકળી ગયા હતા. સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ વહેતી કરી કે, તેમણે કરેલી રજૂઆતને આ સફળતા મળી છે. કહેવત છે કે, ગાડા નીચે કુતરુ ચાલે અને કહે ભાર હું ઉપાડુ તેવો ડ્હોળ વી.પી.વૈષ્ણવે કર્યો હોય તેવી કટાક્ષો થઇ રહ્યા છે.