રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુર ગામમાં લોહાણા ગૃહસ્થને ઘેર સંવત 1856ના કારતક સુદ સાતમના રોજ જલારામ બાપાનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું અને માતાનું નામ રાજબાઈ હતું. પ્રધાન ઠક્કર અને વાલજીભાઈ એમ બે ભાઈ હતા.
પિતાજીએ શાળામાં દાખલ કર્યા, પરંતુ ભણવામાં તેમનું મન લાગતું ન હતું. તેમનું ધ્યાન સાધુ-સંતોમાં જ પરોવાયેલું રહેતું. જલારામ બાપા ચૌદ વર્ષના થયા ત્યારે શાળામાંથી ઉઠાડીને પોતાની નાનકડી હાટડીએ બેસાડી દીધા. જલારામ બાપા જ્યારે પણ કોઈ સાધુ-સંતને મળતા ત્યારે તેમનો હાથ પકડીને ઘરે જમવા લઈ આવતા. આ જોઈને તેમના પિતાને ચિંતા થતી કે પોતાનો દીકરો ક્યાંક સાધુ ન બની જાય તેથી તેમણે આટકોટના ઠક્કર પ્રાગજી સોમૈયાની પુત્રી વીરબાઈ સાથે તેમનાં લગ્ન કરાવી દીધાં.
જલારામ બાપાને મન સંસાર સાધુ-સંતોની સેવા કરવા માટે હતો. જૂનાગઢના માર્ગમાં વીરપુર આવતું હોવાને લીધે સાધુ-સંતો જલારામ બાપાને ત્યાં રોકાતા અને ભોજન કરતાં. જલારામ બાપા જરૂરિયાતની વસ્તુ પણ તેમને આપતા. આ જોઈ જલારામ બાપાને પિતાએ ઘરથી જુદા કરી નાખ્યા. હવે જલારામ બાપા કાકા વાલજીની દુકાને બેસવા લાગ્યા.
ધીરેધીરે દુકાનમાંથી તેમનું ચિત્ત ઊઠી ગયું. તેમના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ જાગ્યો. માત્ર સત્તર વર્ષની ઉંમરે તેઓ જાત્રા પર નીકળી પડ્યા. દોઢ-બે વર્ષે જ્યારે તે ઘરે પરત ફર્યા ત્યારે આખા ગામે તેમનું ધામધૂમથી સામૈયું કર્યું. જાત્રાએથી આવીને જલારામ બાપા ભોજા ભગતનાં દર્શને ગયા. જુગ-જુગની ઓળખાણ જાગી પડી અને જલારામ બાપા ભોજા ભગતના પગમાં પડ્યા ને તેમને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ કંઠી બાંધી અને રામમંત્ર આપ્યો. વૈકુંઠ સિધાવ્યા ત્યાં સુધી તેમણે રામનામ જપ્યું. જલારામ બાપાનાં બધાં જ કાર્યોમાં તેમની પત્ની વીરબાઈએ ખૂબ જ સાથ આપ્યો.
ભગતને બાપાનું બિરુદ મળ્યું
વીરપુર ગામમાં હરજી નામનો એક દરજી રહેતો. તે સુખી-સંપન્ન હતો. તેને કોઈ વાતની ખોટ ન હતી, પરંતુ તેને પેટમાં કંઈક દરદ રહેતું હતું. એક વાર હરજીએ જલારામ ભગત પાસે આવીને કહ્યું, `હે જલા ભગત, હું મારા પેટના દરદથી કંટાળ્યો છું. મારા પેટનું દરદ મટે તો સદાવ્રતમાં પાંચ માપ દાણા દઈશ.’ જલારામ ભગતે કહ્યું, `તમારું દરદ જરૂર મટશે ભાઈ, ઠાકોરજી પર શ્રદ્ધા રાખો’ અને એ દિવસથી હરજીનું પેટનું દરદ ઓછું થતું ગયું અને આઠ દિવસમાં તો તે એકદમ સાજો થઈ ગયો. તે પોતાના વચન પ્રમાણે પાંચ માપ દાણા લઈને ભગત પાસે ગયો અને દાણા ભગતનાં ચરણોમાં મૂકી એ ભગતને પગે લાગ્યો અને બોલ્યો, `બાપા, તમે મને સાજો કર્યો.’ આ દિવસથી ભગતને બાપાનું બિરુદ મળ્યું અને સૌ લોકો તેમને બાપા તરીકે સંબોધવા લાગ્યા.
દાનનાં પારખાં
એક દિવસ બપોરના સમયે એક વૃદ્ધ સાધુ નારાયણ…નારાયણ બોલતાં ભગતના આંગણે આવ્યા. ભગતે તેમને જમાડ્યા અને સેવાચાકરી કરી. વૃદ્ધ સાધુએ ભગતને કહ્યું, `મારું શરીર ખૂબ જ જીર્ણ થયું છે, કોઈ ચાકરી કરે તેવું જોઈએ છે.’ આ સાંભળી બાપાએ કહ્યું, `આપ અહીં જ રોકાઈ જાઓ તો હું આપની સેવા કરું’ સાધુએ કહ્યું કે, `સાધુ તો ચલતા ભલા. તેમનું કોઈ એક ઠેકાણું ન હોય, પરંતુ હા, જો તમારે મારી સેવા કરવી જ હોય તો તારી સ્ત્રીને મારી સેવા કાજે મારી સાથે મોકલો, પરંતુ તે તેની રાજીખુશીથી આવવી જોઈએ, કોઈ પણ જાતના દબાણથી નહીં હો.’ જલારામ બાપા કહે તે પહેલાં જ વીરબાઈએ તરત જ કહ્યું, `હું હમણાં જ તૈયાર થઈને આવું છું.’ ભગતે એક સાધુને વીરબાઈ દાનમાં આપી દીધાં તે વાત ગામમાં વાયુવેગે પ્રસરી ગઈ. આખું ગામ ભગતના આંગણે ભેગું થયું અને બાપાને સમજાવવા લાગ્યા કે અનાજનાં, રોટલાનાં દાન હોય ભગત, વહુનાં દાન ન હોય. વીરબાઈને વિદાય આપી બાપા મંદિરમાં જઈને ઠાકોરજીને પગે લાગ્યા પછી બહાર આવી ઓટલા પર બેસીને માળા ફેરવવા લાગ્યા. બીજી તરફ સાધુ વીરબાઈને લઈને ચાલી નીકળ્યા. થોડે દૂર ગયા પછી નદી આવી. સાધુએ કહ્યું, `માતા, મારાં આ ધોકો અને ઝોળી સાચવ, હું ઝાડે ફરીને આવું છું.’ આમ કહીને સાધુ ઝાડવા પાછળ જઈને અદૃશ્ય થઈ ગયા. ત્યાંથી પોતાનાં ઢોરાં સાથે પસાર થતાં કેટલાંક ભરવાડનાં છોકરાંઓએ આ જોયું. છોકરાંઓએ દોડતાં ગામમાં જઈને આ ચમત્કારની જાણ કરી. હવે સૌને સમજાયું કે આ સાધુ કોઈ સાધારણ સાધુ ન હતા, પણ ભગત બાપાની પરીક્ષા કરવા આવેલા ઠાકોરજી પોતે હતા. તે દિવસથી એ ઝોળી અને ધોકો મંદિરમાં બિરાજે છે. રોજ સવાર-સાંજ તેનું પૂજન થાય છે.
ધન્ય છે વીરબાઈને
સદાવ્રત શરૂ થયાને થોડા દિવસ થયા હશે, એવામાં એક દિવસ સંત મહાત્મા આવી ચડ્યા. જલારામ બાપાની `સંતસેવા’ જોઈને તેમણે એક લાલજીની મૂર્તિ આપીને કહ્યું, `ભગત, આની સેવા કરજો’ શ્રી હરિ તમને ક્યારેય રિદ્ધિ-સિદ્ધિની ખોટ નહીં આવવા દે અને તમારી આ જગ્યામાં આજથી ત્રીજે દિવસે હનુમાનજી સ્વયં પ્રગટ થશે. ત્યારબાદ જલારામ બાપા અંત:કરણપૂર્વક ભક્તિભાવથી લાલજી અને હનુમાનજીને પૂજવા લાગ્યા. ત્યાં નાનકડા આશ્રમ જેવું બની ગયું. એક વાર વધારે સંખ્યામાં સાધુસંતો આવી ચડ્યા. ઘરમાં સંઘરેલો દાણો ખલાસ થઈ ગયો. આથી પરિસ્થિતિને પામીને વીરબાઈએ ભગતને બોલાવી માવતરના ઘરની સોનાની સેર પોતાની ડોકમાંથી ઉતારી તેમની સામે ધરી દઈને કહ્યું, `ભગત, મૂંઝાશો નહીં, આ સેર વેચી આવો અને આંગણે આવેલા સંતોને રોટલો ખવડાવો.’ આ સાંભળી ભગત મનમાં પ્રસન્ન થઈ બોલ્યા, `ઓહોહો! શું દિલ છે આ બાઈનું. એનાં તો અંતરનાં કમાડ ઊઘડી ગયાં છે.’
તવંગર હોય કે ગરીબ કોઈ પણ સ્ત્રીને પોતાનાં ઘરેણાંનો મોહ જરૂર હોય છે, પરંતુ વીરબાઈએ ઘરેણાંનો લેશમાત્ર મોહ ન રાખીને આંગણે આવેલા અતિથિને રોટલો મળી રહે તે માટે પોતાની સેર વેચવા આપી દીધી. ધન્ય છે વીરબાઈને જેમણે પોતાના પતિના સતકાર્યમાં તન, મન અને ધનથી સેવા આપી.
અખૂટ અખૂટ ભંડાર
જલારામ બાપાની પાછળ હરિરામજીએ મોટો મેળો કરેલો, મેળામાં એક અજાણ્યા સાધુ આવી ચડ્યા, બધાંને નમસ્કાર કરતાં કરતાં એ ભંડારઘરમાં ગયા. ત્યાંથી એક લાડુ લઈને તેનો ભુક્કો કરી તેમણે ચારેય દિશામાં વેરીને `અખૂટ અખૂટ ભંડાર’ બોલતાં એ ક્યાંક ચાલી ગયા તેની કોઈને જાણ ન થઈ. આજે પણ બાપાનો ભંડાર અખૂટ છે.
બાપાના ચમત્કારો
જ્યારે અશક્યને શક્ય થતું જુએ અને અનુભવે ત્યારે વ્યક્તિ ચમત્કારમાં વિશ્વાસ કરવા લાગે. બાપાના અગણિત ચમત્કારો છે સાથે તેમણે કેટલાય લોકોનાં જીવન પણ સુધાર્યાં. હરજીનું દરદ મટાડ્યું. વીરપુરના મુસલમાન જમાલ ઘાંચીના દીકરાને મોતના મુખમાંથી ઉગાર્યો અને જલા સો અલ્લા કહેવાયા. ગુરુગામના એક વ્યક્તિએ ચોરી કરી અને જેલમાં હતો. બાપાએ તેને મુક્ત કરાવ્યો અને તેણે ફરી ક્યારેય ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. ગોરો બાપાની પરીક્ષા કરવા આવ્યો, પરંતુ બાપાનો ચમત્કાર જોઈને તેમને સલામ ભરી, આવા તો બાપાના અનેક ચમત્કારો છે.
બાપાએ વચન પાળ્યું
વીરપુરમાં ટીલિયો કરીને એક લોહાણો રહેતો હતો. બાપા જ્યારે તેને મળે ત્યારે તે હાંસી ઉડાવતાં કહેતો, `કાં ભગત, ઠાકોરજીની બહુ સેવા કરો છો તે વૈકુંઠનું વિમાન ક્યારે લેવા આવે છે’ બાપા સામે હસીને જવાબ આપતા કે, `આવશે ત્યારે તને જરૂર કહીશ.’
ટીલિયો કહેતો, `વિમાન આવે તો મનેય જોડે લઈ જવાનું ભૂલતાં નહીં હો.’
બાપાએ દેહ છોડ્યો તે દિવસે ટીલિયો જેતપુરથી હટાણું કરીને ઘેર પરત ફરતો હતો. ત્યાં રસ્તામાં તેણે એક સુંદર રથ જોયો. તેમાં બાપા બેઠેલા હતા. બાપાએ કહ્યું, `ટીલિયા, આવી જા વિમાનમાં, તું કહેતો હતોને તેથી હું તને તેડવા આવ્યો છું.’ ટીલિયાને આ વાત પર ભરોસો ન બેઠો અને બેસવાની ના ભણીને ચાલવા લાગ્યો અને ગામમાં આવી જાણ્યું છે કે બાપા દેવ થયા છે. હવે તેને ખાતરી થઈ ગઈ કે બાપાએ તેને આપેલા વચન પ્રમાણે વૈકુંઠ જતાં પહેલાં પોતાને તેડવા આવેલા. તેના પસ્તાવાનો પાર ન રહ્યો.
બાપાનો દેહત્યાગ
વીરબાઈ મા સંવત 1935ના કારતક વદ નોમ અને સોમવારે વૈકુંઠ સિધાવ્યાં. બાપાએ સાત દિવસ સુધી એ જગ્યામાં અખંડ રામધૂન કરી. એ દિવસોમાં બાપાને હરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ લાખો-હજારો ભક્તો તેમનાં દર્શન માટે આવતા. બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતાં. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામજીને બાપાએ પોતાના વારસ તરીકે નીમ્યા. સંવત 1937 મહા વદ દસમ તા.23-2-1881 અને બુધવારના રોજ બાપાએ ભજન કરતાં કરતાં એક્યાશીમા વર્ષે વૈકુંઠવાસ કર્યો.
જે દે ટુકડો તેને ભગવાન ઢૂંકડો
જલારામ બાપાનો સંકલ્પ હતો કે કોઈને બોજારૂપ થવું નહીં ને જાતમહેનતનો જ રોટલો ખાવો અને ખવડાવવો. ભગત અને વીરબાઈ ખેતરમાં કાયાતૂટ મજૂરી કરતાં. ભગતની પાસે ચાલીસ મણ દાણો ભેગો થઈ ગયો. તેમણે પત્ની વીરબાઈને કહ્યું, `ઘરમાં ખાવાવાળા આપણે બે જણ અને આટલા દાણાને ભેગા કરીને શું કરીશું?’ ત્યારે ભગતના મનની વાતને જાણી ગયેલાં વીરબાઈએ કહ્યું, `રામનું નામ લઈને ભૂખ્યાંને ટુકડો આપવાનું શરૂ કરો. તમે તો જાણો જ છો કે જે દે ટુકડો તેને ભગવાન ઢૂંકડો.’
ભગતે ગુરુચરણે પ્રાર્થના કરી કે, `મારે સદાવ્રત બાંધવું છે. આપની આજ્ઞા માગું છું.’ ગુરુએ પ્રસન્ન થઈને ભગતના માથે હાથ મૂક્તાં કહ્યું, `દેનાર ભગવાન છે અને લેનારા પણ ભગવાન છે. માટે દીધા કર દીધા કર’ ભગતની પ્રસન્નતાનો પાર ન રહ્યો. તેમણે સંવત 1876 મહા સુદ બીજના રોજ સદાવ્રતની શરૂઆત કરી. તે સમયે તેમની ઉંમર માત્ર વીસ વર્ષની હતી, પરંતુ તેમનો સંકલ્પ તેનાથી ઘણો મોટો હતો.