- પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની સુરક્ષામાં વધારો
- ADG ઈન્ટેલિજન્સે આપી સુરક્ષા
- ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન યથાવત
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જે જોતા હવે અશોક ગેહલોતની સુરક્ષા વધારી દેવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી હાર્યાના 5 દિવસ બાદ ગેહલોતની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ADG ઈન્ટેલિજન્સે તેમને સુરક્ષા આપી છે.
5 પર્સનલ સિક્યુરિટી ઓફિસરની સુરક્ષા મળી
પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને ત્રણ ડેપ્યુટી એસપી સહિત કુલ 5 પર્સનલ સિક્યુરિટી ઓફિસર્સ (પીએસઓ)ની સુરક્ષા મળી છે. રાજસ્થાન પોલીસ દ્વારા 8 ડિસેમ્બરે જાહેર કરાયેલા આદેશ અનુસાર, ગેહલોતની સુરક્ષા માટે ત્રણ ડેપ્યુટી એસપી, એક પોલીસ ઈન્સ્પેક્ટર અને એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સ્તરના પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે.
ADG ઇન્ટેલિજન્સે આપી સુરક્ષા
આદેશમાં કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી એસપી કિશોરીલાલ, ડેપ્યુટી એસપી રામનિવાસ અને ડેપ્યુટી એસપી નીરજ મેવાણીને સીએમ ગેહલોતની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. એ જ રીતે પાંચ સભ્યોની PSO ટીમમાં પોલીસ ઈન્સ્પેક્ટર જગજીવન રામ અને મદદનીશ સબ ઈન્સ્પેક્ટર ભીમ સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ આદેશો રાજસ્થાન પોલીસના ADG ઈન્ટેલિજન્સ એસ સેનગાથિર દ્વારા જારી કરવામાં આવ્યા છે.
ગોગામેડીના પત્નીએ લગાવ્યો હતો આરોપ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ તેમની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને રાજ્યના પોલીસ વડાને અનેક પત્રો લખવામાં આવ્યા હતા કે તેમના જીવને ખતરો છે. અનેકવાર ડર વ્યક્ત કરવા છતાં તેમને સુરક્ષા આપવામાં આવી ન હોવાનો આરોપ લગાવ્યો હતો.


