- ઈંગ્લેન્ડ સામે યશસ્વી જયસ્વાલનુ શાનદાર પ્રદર્શન
- વિરાટ કોહલીએ ટેસ્ટ કારકિર્દીમાં 26 સિક્સ ફટકારી
- યશસ્વી જયસ્વાલે 7 ટેસ્ટમાં 25 સિક્સ ફટકારી
યશસ્વી જયસ્વાલે છેલ્લા કેટલાક સમયથી શાનદાર બેટિંગ કરી છે. આ યુવા બેટ્સમેને ઈંગ્લેન્ડ સામે પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. રોહિત શર્માની આક્રમકતા તેની બેટિંગમાં જોવા મળે છે, તો તે વિરાટ કોહલીની જેમ ટેકનિકલ ક્રિકેટ શોટ ફટકારવામાં પણ માહિર છે. તેની ચપળતા મેદાન પર દેખાઈ આવે છે. તેણે IPL 2023માં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું અને તે પછી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી. તેની શાનદાર બેટિંગના કારણે તે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં મહત્વની કડી બની ગયો છે. તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી શકે છે.
કોહલીનો રેકોર્ડ તોડી શકે છે જયસ્વાલ
વિરાટ કોહલીએ 2011માં ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ટેસ્ટ કરિયરમાં માત્ર 26 સિક્સ ફટકારી છે. બીજી તરફ, 22 વર્ષીય યશસ્વી જયસ્વાલે ભારતીય ટીમ માટે અત્યાર સુધી 7 ટેસ્ટ મેચની 13 ઇનિંગ્સમાં 25 સિક્સ ફટકારી છે. યશસ્વી જે પ્રકારના ફોર્મમાં છે, તે કોહલીનો રેકોર્ડ સરળતાથી તોડી શકે છે. જયસ્વાલને કોહલીનો રેકોર્ડ તોડવા માટે માત્ર બે સિક્સની જરૂર છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે કર્યું હતું ડેબ્યૂ
યશસ્વી જસવાલે વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી હતી અને 171 રનની ઇનિંગ રમી હતી. આ પછી, તેણે ઇંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ સામે સતત બે બેવડી સદી ફટકારી છે અને ટેસ્ટ ક્રિકેટમાં આવું કરનાર તે માત્ર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. તેણે બીજી ટેસ્ટ મેચમાં 209 રન અને ત્રીજી ટેસ્ટ મેચમાં 214 રનની ઇનિંગ્સ રમી હતી.
જયસ્વાલ શાનદાર ફોર્મમાં
યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારતા પોતાની ઇનિંગ્સમાં 12 સિક્સ ફટકારી હતી. તે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સંયુક્ત રીતે નંબર વન સ્થાને છે. વસીમ અકરમે પણ ટેસ્ટ ઇનિંગ્સમાં 12 સિક્સ ફટકારી છે. યશસ્વીએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 7 ટેસ્ટ મેચમાં 861 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી સામેલ છે. આ સિવાય તેણે ભારતીય ટીમ માટે 17 T20માં 502 રન બનાવ્યા છે.


