સ્માર્ટ મીટર ગ્રાહકની મરજી હોય તો જ લગાવવા બાબતે ઉર્જા મંત્રીને લેખિત રજૂઆત
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા પ્રજાવતી હાલ ગાંધીનગર ઉર્જા મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હાલ સમગ્ર ગુજરાતમાં વીજતંત્ર દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટર અંગે કેટલીક બાબતો અંગે પ્રજા દ્વારા વિરોધ કરવામાં આવતો હોવાથી હાલ જે સરકારી યોજના અંતર્ગત તેની અમલવારી જમાદારી રીતે ન કરવા લેખિત રજૂઆત કરી છે.
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ઉર્જામંત્રીને કરવામાં આવેલ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે હાલ સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની બાબતે બબાલ ચાલી રહી છે, ગ્રાહકોનો અવાજ એવો છે કે સ્માર્ટ મીટરમાં બીલ વધારે આવે છે, ત્યારે આ બાબતે સરકારી અધિકારીઓ લુલો અને પાંગળો બચાવ કરી જણાવે છે કે પાછલુ બીલ બાકી છે માટે વધારે આવે છે. જાણવા પ્રમાણે જેના બીલમાં કોઈ પૈસા બાકી નથી તેવા ગ્રાહકને પણ વધારે બીલ આવે છે.
જો ગ્રાહકને અસંતોષ હોય તો શા માટે સ્માર્ટ મીટર મુકવાનો આગ્રહ રાખવો જોઈએ. જો કોઈપણ યોજના પ્રજાને અનુકુળ ના હોય તો ફરજીયાત સ્વીકારવાનો આગ્રહ ના કરવો જોઈએ. સ્માર્ટ મીટર લગાવવા માટે પ્રથમ પ્રજા સાથે પરામર્શ અને સેમીનાર યોજીને સરકારી યોજનાને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. અધિકારીવર્ગે તેના ફાયદા વિશે જાણ કરવી જોઈએ તો જ સરકારી યોજના સફળ થાય, કોઈપણ યોજના જમાદારી રીતે અમલ નો કરાય, ગ્રાહકની ઈચ્છા હોય તો જ સ્માર્ટ મીટર મુકવુ જોઈએ. કોઈપણ યોજના ગ્રાહકો પર જોર જુલ્મ કરી ઠોકી બેસાડાય નહી તે સેવામાં ખામી ગણાય. પ્રજાના વિશ્વાસ અને પ્રેમથી યોજના સફળ થાય છે, સ્માર્ટ મીટર મનમાની કરી લગાવાય તે યોગ્ય ગણાઈ નહી જેથી પ્રજાની માંગણી છે કે જે ગ્રાહક કહે ત્યાં જ સ્માર્ટ મીટર લગાવો આ બાબતે યોગ્ય કરવા અપેક્ષાનું રજુઆતમાં જણાવવામાં આવ્યું છે.


