કૃણાલ પંડ્યાના નેતૃત્વ હેઠળની બરોડા ટીમ પર જમ્મુ અને કાશ્મીર ટીમે મોટો આરોપ લગાવ્યો છે. આ બધું ત્યારે થયું જ્યારે જમ્મુ અને કાશ્મીરના કોચ અજય શર્માએ પિચના રંગમાં ફેરફાર જોયો, ત્યારબાદ તેમને બરોડા ટીમ પર પિચ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો.
ત્યારબાદ તેમણે આ મુદ્દો ઓન-ફિલ્ડ અમ્પાયર પશ્ચિમ પાઠક અને રવિ તેજા અને મેચ રેફરી અર્જન કૃપાલ સિંહ સમક્ષ ઉઠાવ્યો હોવાનું કહેવાય છે.
કોચ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા
મીડિયા રિપોર્ટ મુજબ બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના અધિકારીએ પિચ સાથે કોઈપણ ગેરરીતિ ન કરી હોવાની જાણકારી આપી છે. તેમને કહ્યું કે ‘જમ્મુ અને કાશ્મીરના કોચ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.’ આઉટફિલ્ડ ભીનું હતું અને ઠંડીને કારણે પિચ પર ભેજ હતો. અમ્પાયરને પણ એવું જ લાગ્યું. જેણે પણ ક્રિકેટ રમી છે તે સમજી શકે છે કે શિયાળામાં પીચ પર ભેજ હોય છે અને ક્યારેક આઉટફિલ્ડ સુકાઈ જવા માટે સમય લાગે છે.
‘ક્યારેક મેચમાં વિલંબ થાય છે’
તેમને આગળ કહ્યું કે ‘ક્યારેક મેચમાં વિલંબ થાય છે, પરંતુ તેને પિચ ફિક્સિંગ કહેવું અને તેના માટે એસોસિએશનને દોષ આપવો એ સંપૂર્ણપણે ખોટું છે.’ અમે આ આરોપોને સ્વીકારીશું નહીં. જમ્મુ અને કાશ્મીરના કોચ દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ અંગે અમે BCCIનો સંપર્ક કરીશું.
બરોડાને મેચ જીતવાની જરૂર
આ સમગ્ર ઘટનાને કારણે મેચની શરૂઆતમાં વિલંબ થયો, જે સવારે 10.55 વાગ્યે ફરી શરૂ થયો. રણજી ટ્રોફીના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, બરોડા માટે આગામી રાઉન્ડમાં જગ્યા બનાવવી મુશ્કેલ છે. મુંબઈએ મેઘાલયને હરાવીને ગ્રુપના આગલા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે અને જો આ મેચ ડ્રો થાય છે તો જમ્મુ અને કાશ્મીર આગળ વધશે. બરોડાને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે જીતની જરૂર છે. આ મેચમાં જમ્મુ અને કાશ્મીર સામે જીતવા માટે 365 રનનો લક્ષ્યાંક છે.


