- ખ્વાજા શાહિદનું અપહરણ થયા પછી લાપતા હતો, મૃતદેહ મળી આવ્યો
- પીઓકેમાં તોઇબા કમાન્ડરનો શિરચ્છેદ થયેલો મૃતદેહ મળતાં ચકચાર
- મૃત સ્થિતિમાં મળી આવેલો આતંકવાદી લશ્કર-એ-તોઇબાનો કમાન્ડર હતો
ભારતના શત્રુ માની શકાય તેવા અનેક આતંકવાદીઓ તાજેતરમાં શંકાસ્પદ સ્થિતિમાં મોતને ભેટી રહ્યા છે. હવે અહેવાલ છે કે 2018માં જમ્મુ આર્મી કેમ્પમાં થયેલા હુમલાના સૂત્રધારનો મૃતદેહ પીઓકે ખાતેના તેના નિવાસસ્થાનેથી મળી આવ્યો છે. મૃતકની ઓળખ ખ્વાજા શાહિદ તરીકે થઈ ચૂકી છે. મીડિયા અહેવાલ મુજબ શિરચ્છેદ થયેલી હાલતમાં શાહિદનો મૃતદેહ મળી આવ્યો છે. થોડા દિવસ પહેલાં શાહિદનું અપહરણ કરવામાં આવ્યું હતું. મૃત સ્થિતિમાં મળી આવેલો આતંકવાદી લશ્કર-એ-તોઇબાનો કમાન્ડર હતો. 2018માં સુંજવાન ખાતેની સૈન્ય છાવણી પર થયેલા હુમલાનો તે સૂત્રધાર હતો. તે હુમલામાં આતંકવાદીઓએ એકે-47 રાઇફલ્સ અને ગ્રેનેડથી સૈન્ય છાવણી પર હુમલો કર્યો હતો. હુમલામાં સેનાના છ જવાન શહીદ થયા હતા. ખ્વાજા શાહિદ ઉર્ફે મિયા મુજાહિદ પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરની નીલમ ઘાટીનો વતની હતો. થોડા દિવસ પહેલાં અજ્ઞાત બંધૂકધારીઓએ શાહિદનું અપહરણ કર્યું હતું. તે પછી તેની ભાળ નહોતી મળી. પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ક્વાજા શાહિદને શોધી રહ્યા હતા. પરંતુ ખ્વાજા શાહિદનો મૃતદેહ મળી આવ્યો છે.
દેશના શત્રુઓની હત્યાઓ થઈ રહી છે
દેશના શત્રુઓને વિદેશોમાં શોધી શોધીને તેમની હત્યાઓ થઈ રહી છે. ભારતના મોસ્ટ વોન્ટેડ શાહિદ લતીફ, કૈસર ફારૂખ,જૈશ-એ મોહમ્મદના આતંકવાદી જહૂર ઇબ્રાહીમ ઉર્ફે જાહિદ અખૂંદ ઉપરાંત કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જર, પાકિસ્તાનમાં ખાલિસ્તાની નેતા હરવિંદરસિંહ સંદ્ધુની હત્યા થઈ ચૂકી છે. હત્યાના આ તમામ કેસમાં હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી.


