- રાજૌરીમાં સુરક્ષા દળો-આતંકીઓ વચ્ચે ગોળીબારની રમઝટ ચાલુ
- કુલગામમાં તોઈબાના પાંચ આતંકી માર્યા ગયા, રાજૌરીમાં એક આતંકી ઠાર
- કુલગામ ખાતે 19 કલાકના ઓપરેશનને અંતે પાંચ આતંકવાદી માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકની ભીતર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બીજું એન્કાઉન્ટર શરૂ થઈ ચૂક્યું છે. 19 કલાકે કુલગામ એન્કાઉન્ટરનો અંત આવ્યા પછી હવે રાજૌરી ખાતે સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની રમઝટ ચાલી રહી હતી. આ પહેલાં કુલગામ ખાતે ગુરુવારે એન્કાઉન્ટરનો આરંભ થયો હતો. કુલગામ ખાતે 19 કલાકના ઓપરેશનને અંતે પાંચ આતંકવાદી માર્યા ગયા હતા. પાંચેય આતંકવાદી લશ્કર-એ-તોઇબા સાથે સંકળાયેલા રેઝિસ્ટન્સ ફોર્સના હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજૌરીમાં પણ એક આતંકી માર્યો ગયો હતો અને ત્યાં હજુ એન્કાઉન્ટર જારી છે.
16 નવેમ્બરે સાંજે સુરક્ષા દળોને કુલગામ ખાતે સામનુ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સેનાની 34મી રાષ્ટ્રીય રાઇફલ્સ બટાલિયન, 9 પેરા એલિટ (સ્પેશિયલ ફોર્સ યુનિટ) તેમ જ રાજ્ય પોલીસ સામેલ હતા.
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારે સાંજે 4 વાગે ગોળીબાર શરૂ થયો હતો. મોટી રાતે અંધારાને કારણે ઓપરેશન અટકાવી દેવામાં આવ્યું હતું. પરંતુ સવાર થતાં જ ગોળીબાર શરૂ થયો હતો. ક ઘરમાં છુપાયેલા પાંચ આતંકવાદી માર્યા ગયા છે. ક્રોસ ફાયરિંગ દરમિયાન મકાનમાં આગ લાગી ગઈ હતી. ડ્રોન કેમેરાની મદદથી આતંકવાદીઓની તસવીરો લેવામાં આવી હતી. વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજી ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદી ભાગી ના છૂટે તે માટે ગામના તમામ રસ્તા પર નાકાબંધી કરીને ગામને ઘેરી લેવામાં આવ્યું હતું. તોઇબા હવે ખીણ પ્રદેશમાં રેઝિસ્ટન્સ ફોર્સના રૂપમાં કાર્યરત છે.


