- ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદીઓની ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો
- સેનાએ અત્યાર સુધીમાં ત્રણ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને ઠાર કર્યા
- આતંકવાદીઓએ રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો
આજે રવિવારે ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં સેનાએ અત્યાર સુધીમાં ત્રણ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને ઠાર કર્યા છે.
સેનાએ કહ્યું કે મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા
ભારતીય સેનાએ કહ્યું કે કુપવાડામાં એલઓસી પર આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને આજે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સૈનિકોએ કુપવાડાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓની ગતિવિધિઓનું અવલોકન કર્યું. આ પછી મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માહિતી આપતા સેનાએ કહ્યું કે મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.
આતંકી ઘટનામાં તાજેત્તરમાં થયો વધારો
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારો જોવા મળ્યો છે. આ આતંકી હુમલા દક્ષિણ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા દરમિયાન થયા હતા. 9 જૂને, જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટે શપથ લીધા હતા, આતંકવાદીઓએ રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો. આ પછી બસ ખાઈમાં પડી જતાં 9 લોકોના મોત થયા હતા.
આતંકવાદીઓને જલ્દી જ આપવામાં આવશે સજા- લેફ્ટનન્ટ ગવર્નર
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 9 જુલાઈએ કહ્યું હતું કે હું કઠુઆ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા આપણા જવાનોની બહાદુરીને સલામ કરું છું. શહીદોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આતંકવાદ વિરોધી કામગીરી ચાલી રહી છે. આ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓને ટૂંક સમયમાં સજા આપવામાં આવશે.
જૂનમાં જમ્મુ ક્ષેત્રમાં થયેલા આતંકવાદી હુમલા અને પૂર્વ ડીજીપી વૈદ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે આતંકવાદીઓ સ્થળ બદલીને હુમલાને અંજામ આપી રહ્યા છે. તેઓ સુરક્ષા દળોને પણ ચકમો આપી રહ્યા છે. ઓચિંતો હુમલો કર્યા પછી આતંકવાદીઓનું આસાનીથી ભાગી જવું એ સૂચવે છે કે તેમના મદદગારો પણ આ વિસ્તારમાં હાજર છે.