જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કડક પગલાં લેતા ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરીને તેમને પાછા મોકલવાનો આદેશ આપ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે, પાકિસ્તાનથી નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદર ફરી ચર્ચામાં આવી છે આ મામલે પાકિસ્તાનમાં રહેતા સીમાના પહેલા પતિ ગુલામ હૈદરના વકીલ મોમિન મલિકે સીમા હૈદર પર ગંભીર આરોપો લગાવ્યા છે અને તેને ભારતની સુરક્ષા માટે ખતરો ગણાવી જેલમાં મોકલવા અથવા પાકિસ્તાન પાછી મોકલવાની માંગ કરી છે.
વકીલનો મોટો ખુલાસો
ગુલામ હૈદરના વકીલ મોમિન મલિકે પ્રેસ કોન્ફરન્સ અને યુટ્યુબ લાઈવ દ્વારા જણાવ્યું કે સીમા હૈદરનો પહેલગામ હુમલા સાથે કથિત રીતે કોઈ “સીધો સંબંધ” છે . તેમણે આરોપ લગાવતા કહ્યું કે સીમા હૈદરે પોતે સ્વીકાર્યું છે કે તેના કાશ્મીરમાં પણ કનેક્શન છે. આ કારણે, વકીલ મલિકે આશંકા વ્યક્ત કરી છે કે આ માત્ર એક પ્રેમકથા કે પારિવારિક મામલો નથી, પરંતુ સુરક્ષાનો મુદ્દો છે. તેમણે માંગ કરી છે કે કાં તો સીમા હૈદરને તાત્કાલિક દેશનિકાલ કરવામાં આવે અને પાકિસ્તાન પાછી મોકલવામાં આવે, અથવા તેના જામીન રદ કરીને તેને જેલમાં મોકલવામાં આવે.
સુરક્ષા માટે ખતરો
વકીલ મલિકે સીમા હૈદરને ભારતની સુરક્ષા માટે ખતરો ગણાવી. યુટ્યુબ પર લાઈવ આવતાં તેમણે કહ્યું કે સીમા હૈદર લેખિત સ્ક્રિપ્ટો દ્વારા પીડિત કાર્ડ રમી રહી છે. તેમણે સીમા હૈદરના કેસની તપાસમાં બેદરકારીનો પણ આરોપ લગાવ્યો છે અને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે.
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની નાગરિકો સામે લેવાયેલા પગલાં અને સીમા હૈદરના પહેલા પતિના વકીલ દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપો, ખાસ કરીને કાશ્મીર જોડાણો અને સુરક્ષા ખતરા અંગેના દાવા, આ સમગ્ર મામલાને વધુ જટિલ અને સંવેદનશીલ બનાવી રહ્યા છે. સીમા હૈદરની કાયદેસર સ્થિતિ અને તેના પર લાગેલા આરોપો અંગે આગળ શું થાય છે તે જોવું રહ્યું.