- જમ્મુ કાશ્મીરના પૂંછમાં ગ્રેનેડથી હુમલો
- કૃષ્ણ-શિવમંદિરમાં ગ્રેનેડથી કરાયો હુમલો
- સેના અને પોલીસ તપાસમાં જોડાઇ
જમ્મુ કાશ્મીરના સુરનકોટમાં ફરી એકવાર માહોલ ખરાબ કરવાનો પ્રયાસ થયો છે. અસામાજિક તત્વોએ હવે કૃષ્ણ મંદિરને નિશાનો બનાવ્યો છે. ગઇકાલે રાતે કૃષ્ણ અને શિવમંદિરમાં ગ્રેનેડ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જો કે કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ મંદિરમાં છત અને સીડીઓને નુકસાન થયુ છે. મંદિરોમાં તમામ મૂર્તિઓ સુરક્ષિત છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોને આતંકી હુમલો થયો હોવાની આશંકાને પગલે ભયભીત જોવા મળ્યા હતા.
પોલીસ જોડાઇ તપાસમાં
ઘટનાને પગલે આજુબાજુમાં રહેતા કેટલાક લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાને પગલે સેના અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા અને વિસ્તારને ઘેરી લીધો હતો. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવી હતી. બ્લાસ્ટમાં કયા પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરી રહી છે.
રાત્રે 9 વાગે થયો બ્લાસ્ટ
સંવેદનશીલ વિસ્તાર એલઓસીની નજીક હોવાને કારણે સુરક્ષા દળો પુરતી સુરક્ષા વ્યવસ્થા જાળવી રહ્યા છે. સુરનકોટ મ્યુનિસિપલ કાઉન્સિલના ઉપાધ્યક્ષ અને બીજેપી નેતા સંજય કેસરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વિસ્ફોટ લગભગ રાત્રે 9 વાગ્યે થયો હતો. જ્યારે કોઈએ મંદિરમાં ગ્રેનેડ ફેંક્યો, ત્યારે તે મંદિરની છત સાથે અથડાયો અને પ્રાંગણમાં પડ્યો અને વિસ્ફોટ થયો. તેમણે જણાવ્યું કે આતંકવાદના યુગમાં પણ ક્યારેય મંદિર પર હુમલો થયો નથી.