- જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં આતંકી ષડયંત્ર
- LOC નજીક વિસ્ફોટમાં ત્રણ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ
- પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ કર્યો શરૂ
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં 18 જાન્યુઆરીના રોજ LOC નજીક વિસ્ફોટમાં ત્રણ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે એક સુરક્ષા જવાન ગંભીર રીતે ઘાયલ છે. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ, જ્યારે આ ઘટના બની ત્યારે સૈનિકો નૌશેરા સેક્ટરના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વિસ્ફોટમાં 3 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. સુરક્ષા કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જમ્મુમાં સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, 18 જાન્યુઆરીએ સવારે 10:30 વાગ્યે પોખરામાં 17 શીખ લાઇટ ઈન્ફન્ટ્રી દ્વારા સંચાલિત ફોરવર્ડ એરિયામાં સંરક્ષણ સ્થાનથી લગભગ 300 મીટર દૂર લેન્ડમાઈન વિસ્ફોટ થયો હતો.
ઘાયલોની સારવાર ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં ચાલું
સમગ્ર ઘટનાને લઇ દાવો કરવામાં આવ્યો છે કે, આ વિસ્ફોટમાં 3 સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી એક અગ્નિવીરનું ગંભીર ઈજાને કારણે મોત થયું છે. લેન્ડમાઇન વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ પોતાના જીવનું બલિદાન આપનાર બહાદુર સૈનિક અજય સિંહ મૂળ લુધિયાણાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અન્ય 2 ઘાયલોને એરલિફ્ટ કરીને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘાયલોની ઓળખ જવાન બલવંત સિંહ અને સુબેદાર ધર્મિન્દર સિંહ તરીકે થઈ છે, જેમને પગમાં ઈજા પહોંચી છે. આ વિસ્ફોટમાં જીવ ગુમાવનાર અગ્નિવીરના બલિદાન વિશે હજુ સુધી સેના તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.


