જમ્મૂ કાશ્મીરના કટરા પાસે એક મોટી દુર્ઘટના બની છે. તીર્થયાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી છે, જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે. શનિવારે સાંજે માતા વૈષ્ણો દેવી મંદિરથી પરત ફરી રહેલી બસ રસ્તા પરથી લપસીને ખીણમાં ખાબકતા એક વ્યક્તિનું મોત થયું છે અને 16 અન્ય ઘાયલ થયા છે.
તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી
અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ દિલ્હી જઈ રહી હતી અને જમ્મુ બસ સ્ટેન્ડથી લગભગ 8 કિલોમીટર દૂર માંડા નજીક અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે ડ્રાઈવરે વળાંક પર કાબુ ગુમાવ્યો અને બસ ખીણમાં પડી ગઈ, જેના પગલે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 17 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને ઘાયલ લોકોને સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વરસાદને કારણે બસ પલટી
આ પહેલા શુક્રવારે સવારે સાંબા જિલ્લાના રાજપુરા તહસીલના ચક દુલમા ગામમાં એક સ્કૂલ બસ પલટી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં 6 વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે, આ અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તમને જણાવી દઈએ કે ખાનગી શાળાની આ બસ ચક દુલમાંથી રાજપુરા તરફ આવી રહી હતી. વરસાદને કારણે રસ્તો લપસણો હતો. આ સમય દરમિયાન બસ ડ્રાઈવરે એક વાહનને રસ્તો આપવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે બસ નિયંત્રણ બહાર ગઈ અને પલટી ગઈ હતી.
2 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ
આ બસમાં ફક્ત બીજા અને ત્રીજા ધોરણના બાળકો જ મુસાફરી કરી રહ્યા હતા. બસ પલટી જવાની માહિતી માતાપિતાને મળતા જ અફરાતફરી મચી ગઈ હતી. તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વિદ્યાર્થીઓને તપાસ માટે ઘગવાલ ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તપાસ કર્યા પછી, ડોક્ટરોએ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દીધા. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.