- જમ્મુ અને કાશ્મીરના વિશ્વનો સૌથી ઉંચો રેલવે પુલ બનાવાયો
- ચિનાબ નદીની ખીણમાં બનાવેલા રેલ પુલમાં ટ્રેને પકડી રફતાર
- રિયાસી અને કટરા વચ્ચેના 17 કિમીના પટ પર જ કામ બાકી
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચે સ્થિત ચિનાબ નદીની ખીણમાં વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ બનાવવામાં આવ્યો છે. ચિનાબ નદીની ખીણમાં વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ પર રવિવારે પ્રથમ ટ્રાયલ ટ્રેન સફળતાપૂર્વક દોડી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, USBRL માટેનું તમામ બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે, માત્ર ટનલ નંબર 1 આંશિક રીતે અધૂરી છે.
ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL)નો આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. કુલ 272 કિમી લાંબા USBRL પ્રોજેક્ટમાંથી, 209 કિમીનું કામ તબક્કાવાર પૂર્ણ થયું હતું, જેમાં 118 કિમીના કાઝીગુંડ-બારામુલ્લા સેક્શનનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 2009માં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જૂન 2013માં 18 કિમી બનિહાલ-કાઝીગુંડ સેક્શન, જુલાઈ 2014માં 25 કિમી ઉધમપુર-કટરા સેક્શન અને આ વર્ષે ફેબ્રુઆરીમાં 48.1 કિમી બનિહાલ-સંગલદાન સેક્શન શરૂ કરવામાં આવ્યું હતું.
46 કિ.મી.ના સંગલદાન-રિયાસી સેક્શનની શરૂઆત સાથે, રિયાસી અને કટરા વચ્ચેના 17 કિમીના પટ પર જ કામ બાકી છે, જે આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. તેની શરૂઆત સાથે, કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે ટ્રેન દ્વારા જોડવામાં આવશે. તે એક ડ્રીમ પ્રોજેક્ટ છે, જેના પર કામ 1997માં શરૂ થયું હતું અને ભૂસ્તરશાસ્ત્રીય, ટોપોગ્રાફિક અને હવામાનશાસ્ત્રીય પડકારોને કારણે ઘણી વખત સમયમર્યાદા ચૂકી ગઈ છે.


