- જાપાનનું મૂન લેન્ડર બે સપ્તાહ બાદ ફરી એકવાર જીવંત થયું
- લેન્ડિંગ દરમિયાન લેન્ડર ખોટી દિશામાં પડતાં સંપર્ક નહોતો થયો
- જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીએ શેર કર્યા ફોટો
ચંદ્રની ધરતી પર પહોંચેલું જાપાનનું મૂન લેન્ડર બે સપ્તાહ બાદ ફરી એકવાર જીવંત થયું છે. ધરતી પર બેઠેલા વૈજ્ઞાનિકોએ મૂન લેન્ડરનો સંપર્ક કરવામાં સફળતા મેળવી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ગયા મહિને ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન તેમનું લેન્ડર ખોટી દિશામાં પડી ગયું હતું, જેના કારણે સંપર્ક નહોતો થઈ રહ્યો.
જાપાનની સ્પેસ એજન્સી (JAXA) એ સોમવારે જાનવ્યું છે કે જાપાનના મૂન લેન્ડરે ચંદ્રની રાતના બે અઠવાડિયા બાદ જાગીને આશ્ચર્ય સર્જી દીધું છે. માનવરહિત સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટીંગ ધ મૂન (SLIM) ગત મહિને ખોટી દિશામાં પડી ગયું હતું, જેના કારણે તેની સૌર પેનલ વિરુદ્ધ દિશામાં આગળ વધી હતી. જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) એ જણાવ્યું હતું કે સૂર્યનો કોણ બદલાતાં તે બે દિવસ માટે પુનઃજીવિત થયું છે.
સ્પેસ એજન્સીએ શેર કર્યા ફોટોઝ
વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે બે દિવસ બાદ જ્યારે ફરીથી અંધારું થશે ત્યારે તે ફરીથી સૂઈ જશે, કેમ કે આ મૂન લેન્ડરને ચંદ્રની આકરી રાત્રિ માટે નથી બનાવવામાં આવ્યું. JAXAએ કહ્યું કે તેમને આશા નહોતી કે તેઓ ફરીથી લેન્ડરનો સંપર્ક કરી શકશે. જાપાનની સ્પેસ એજન્સીએ કહ્યું કે ‘SLIMને આદેશ મોકલવામાં આવ્યો હતો, જેનો તેણે જવાબ આપ્યો.’ એજન્સીએ ટ્વિટર પર તેના મૂન લેન્ડરની તસવીર પણ શેર કરી છે.
જાપાન ચંદ્ર પર લેન્ડ કરનાર પાંચમો દેશ
ગત મહિને મળેલ કેટલીક આંચકાઓ પછી જાપાનના અવકાશ કાર્યક્રમ માટે આ સિદ્ધિનો વિજય હતો, કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સ, સોવિયેત યુનિયન, ચીન અને ભારત પછી જાપાન ચંદ્ર પર “સોફ્ટ લેન્ડિંગ” હાંસલ કરનાર પાંચમો દેશ બન્યો હતો. જાપાની સ્પેસ એજન્સીએ કહ્યું કે સંપર્ક દરમિયાન મૂન લેન્ડરનું તાપમાન વધારે હતું, તેથી સંચાર બંધ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે બધું સામાન્ય થઈ જશે ત્યારે મૂન લેન્ડરનો સંપર્ક કરવામાં આવશે.
રશિયા, દક્ષિણ કોરિયા અને સંયુક્ત આરબ અમીરાત પણ ચંદ્ર પર પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં, એપોલો યુગ પછી, એકવાર ફરી અમેરિકાએ ચંદ્ર પર તેનું મૂન લેન્ડર મોકલ્યું છે. અમેરિકન અવકાશયાન એક ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું અને નાસા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. ભારતની જેમ આ લેન્ડર પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં ઉતર્યું છે.


