- ખાનગી કંપનીના રોકેટ પ્રક્ષેપણ પહેલા જ ઘણી વખત વિલંબ થયો હતો
- જાપાનમાં પ્રાઈવેટ કંપનીના રોકેટના પ્રક્ષેપણ બાદ બ્લાસ્ટ
- જાપાનમાં પહેલીવાર ખાનગી કંપનીએ બનાવેલા રોકેટમાં થયો વિસ્ફોટ
જાપાનમાં પ્રથમ વખત ખાનગી ક્ષેત્રની કંપનીએ રોકેટ બનાવ્યું હતું. પરંતુ રોકેટ લોન્ચ થયાના થોડા સમય બાદ જ વિસ્ફોટથી તૂટી પડ્યું હતું. જાપાનમાં આ પહેલીવાર બન્યું હતું કે જ્યારે કોઈ ખાનગી કંપનીએ રોકેટ બનાવીને તેને અવકાશ ભ્રમણકક્ષામાં છોડ્યું હતું, પરંતુ લોન્ચિંગના થોડા જ સમયમાં તે વિસ્ફોટ થયો હતો.
મળતી માહિતી અનુસાર, ઓનલાઈન વીડિયોમાં જોવા મળે છે કે ‘કાઈરોસ’ નામનું રોકેટ મધ્ય જાપાનના વાકાયામા પ્રીફેક્ચરના ઓફશોર વિસ્તારમાંથી લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ તે ટેકઓફ કર્યાની થોડી જ સેકન્ડોમાં વિસ્ફોટ થઈ જાય છે. આ વિસ્તારમાં ભારે ધૂમાડો જોવા મળ્યો હતો અને કેટલીક જગ્યાએ આગની જ્વાળાઓ ઉભરાવા લાગી હતી.
પ્રક્ષેપણ પહેલા જ ઘણી વખત વિલંબ થયો હતો
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આગ ઓલવવાના પ્રયાસમાં તે જગ્યાએ પાણી રેડવામાં આવી રહ્યું છે. આ રોકેટ જાપાનની રાજધાની ટોક્યો સ્થિત સ્ટાર્ટ-અપ ‘સ્પેસ વન’નું હતું અને તેણે તરત જ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જાપાની મીડિયાના અહેવાલો અનુસાર, પ્રક્ષેપણ પહેલાથી જ ઘણી વખત વિલંબિત થઈ ચૂક્યું હતું અને છેલ્લીવાર શનિવારે એક જહાજ જોખમી ક્ષેત્રમાં જોવા મળ્યા પછી તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું. જો તે સફળ થયું હોત, તો ‘સ્પેસ વન’ અવકાશ ભ્રમણકક્ષામાં રોકેટ મોકલનાર પ્રથમ ખાનગી કંપની બની હોત.
અમેરિકાની ખાનગી કંપનીનું ચંદ્રયાન પણ પલટી ગયું
આ પહેલા અમેરિકાની એક ખાનગી કંપનીએ ચંદ્ર પર અવકાશયાન ઉતાર્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે કોઈ ખાનગી કંપનીનું અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું હોય. જોકે, આ અવકાશયાન ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ પલટી ગયું હતું. જેના કારણે ચિંતા વધી હતી. લગભગ 50 વર્ષ પછી એક અમેરિકન અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું હતું. તે પણ એક ખાનગી કંપનીનું ચંદ્રયાન, જેનું નામ ઓડીસિયસ લેન્ડર છે. જ્યારે તે ચંદ્રની સપાટી પર ઉતર્યું ત્યારે કોઈ ખામીને કારણે ટીમનો અવકાશયાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. નાસાએ જણાવ્યું હતું કે લેન્ડિંગ વખતે મૂન લેન્ડર ઓડીસિયસનો એક પગ ચંદ્ર પર ફસાઈ ગયો હતો. એક અઠવાડિયા પછી, ઓડીસિયસ, જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યો, તેણે કામ કરવાનું બંધ કરી દીધું.


