જસદણની યુવતીની ઇન્સ્ટાગ્રામમાં પજવણી કરતા રોમિયોને સાયબર પોલીસે દબોચ્યો
વારંવાર ઓડિયો કોલ–મેસેજથી હેરાન કરતા ફરિયાદ આપી હતી : ફેક આઈડીની દિશામાં તપાસ તેજ
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણની એક યુવતીને સોશિયલ મીડિયા પર સતત ઓડિયો કોલ અને મેસેજ કરી માનસિક રીતે પજવણી કરવાના બનાવમાં રાજકોટ સાયબર ક્રાઈમ સેલે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી છે. યુવતીની ફરિયાદના આધારે ટેકનિકલ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીએ મહિલા સુરક્ષા મુદ્દે સાયબર પોલીસની સજાગતા ફરી એકવાર સાબિત કરી છે.
મળતી માહિતી મુજબ, જસદણની યુવતીને Instagram પર અજાણ્યા એકાઉન્ટ પરથી વારંવાર ઓડિયો કોલ અને અશોભન મેસેજ કરીને હેરાન કરવામાં આવતી હતી. આ બાબતે ફરિયાદ નોંધાતાં રાજકોટ સાયબર ક્રાઈમ સેલ હરકતમાં આવી હતી. સમગ્ર કેસને સાયબર સ્ટોકિંગ તરીકે લઈ ટેકનિકલ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા.
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ તથા રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મહિલાઓને સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે વિશેષ મુહિમ ચલાવવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે સ્ટેટ સાયબર ક્રાઈમ અને એન્ટિ-બુલિંગ યુનિટના સંયુક્ત પ્રયાસોથી મળતી ફરિયાદોને પ્રાથમિકતા આપી ઝડપી કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાઓના અનુસંધાને રાજકોટ સાયબર ક્રાઈમ સેલના પીઆઈ આર.જે. ગોધમ ની રાહબરીમાં ટીમે જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ફરિયાદ પર વિશેષ કામગીરી શરૂ કરી હતી. ટેકનિકલ એનાલિસિસ, કોલ ડિટેલ્સ અને ડિજિટલ ટ્રેસના આધારે આરોપી ઉમંગ જગદીશ બાબરીયા (ઉંમર 22, રહે. જસદણ) ને ઓળખી ગણતરીના કલાકોમાં દબોચી લેવામાં આવ્યો હતો.
આરોપી યુવક યુવતીને પજવવા માટે ફેક અથવા વિકલ્પ એકાઉન્ટનો ઉપયોગ કરતો હોવાની આશંકા પણ સામે આવી છે. તેથી સાયબર ક્રાઈમ સેલ દ્વારા હવે ફેક આઈડી અને અન્ય સંભવિત ડિજિટલ કનેક્શન્સની દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી દરમિયાન પીઆઈ આર.જે. ગોધમની આગેવાની હેઠળ પીએસઆઈ સી.બી. વાંક, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાંગર, ગૌતમભાઈ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો. સાયબર ક્રાઈમ સેલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર મહિલાઓની પજવણી કરનાર કોઈને પણ બક્ષવામાં નહીં આવે.
સાયબર ક્રાઈમ સેલે યુવતીઓને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની ઓનલાઈન હેરાનગતિ, ધમકી કે પજવણી થાય તો તાત્કાલિક નજીકના પોલીસ મથક અથવા સાયબર સેલનો સંપર્ક કરવો, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય.


