રવિવારે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યું. આ મેચમાં, જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન તેના પુત્ર અંગદ સાથે ટીમને ચીયર કરવા આવી હતી. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા બુમરાહે પણ શાનદાર બોલિંગ કરી, તેને 4 ઓવરમાં 22 રન આપીને 4 મહત્વપૂર્ણ વિકેટ લીધી.
એક વિકેટ દરમિયાન, આખું સ્ટેડિયમ બુમરાહ માટે તાળીઓ પાડી રહ્યું હતું, તે દરમિયાન કેમેરો પણ સંજના તરફ ગયો. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. કેટલાક યુઝર્સે અંગદના હાવભાવની ચર્ચા શરૂ કરી, જે સંજનાને પસંદ ન આવ્યું અને તેને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.
સંજના અને અંગદનો વીડિયો થયો વાયરલ
જ્યારે જસપ્રીત બુમરાહે વિકેટ લીધી ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા બધાએ તાળીઓ પાડી. સંજના અને તેનો દીકરો પણ તાળીઓ પાડી રહ્યા હતા, આ દરમિયાન કેમેરો તેમની તરફ ગયો અને અંગદના ચહેરાની ઝલક જોવા મળી. પછી શું થયું, થોડી જ વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકો તેની ચર્ચા કરવા લાગ્યા. સંજના ગણેશનએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેને કહ્યું કે અમારો દીકરો તમારા મનોરંજન માટે નથી.
સંજના ગણેશને ટ્રોલ કરનારાઓને આપ્યો આ રીતે જવાબ
સંજનાએ લખ્યું છે કે અમારો દીકરો તમારા મનોરંજનનો વિષય નથી. “જસપ્રીત અને હું અંગદને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે તમામ પ્રયાસો કરીએ છીએ, કારણ કે ઈન્ટરનેટ એક ઘૃણાસ્પદ અને ખરાબ જગ્યા છે અને હું કેમેરાથી ભરેલા ક્રિકેટ સ્ટેડિયમમાં બાળકને લાવવાના પરિણામોને સંપૂર્ણપણે સમજું છું, પરંતુ કૃપા કરીને સમજો કે હું અને અંગદ જસપ્રીતને સપોર્ટ કરવા માટે હતા, બીજું કંઈ નહીં.”
“અમારો દીકરો ઈન્ટરનેટ પર વાયરલ થાય કે રાષ્ટ્રીય સમાચાર બને તેમાં અમને કોઈ રસ નથી, કારણ કે બિનજરૂરી રીતે મંતવ્ય ધરાવતા કીબોર્ડ યોદ્ધાઓ 3 સેકન્ડના ફૂટેજ પરથી નક્કી કરે છે કે અંગદ કોણ છે, તેની સમસ્યા શું છે, તેનું વ્યક્તિત્વ કેવું છે.”
સંજનાએ કહી આ વાત
સંજનાએ આગળ લખ્યું છે કે “તે દોઢ વર્ષનો છે. બાળકના સંદર્ભમાં આઘાત અને હતાશા જેવા શબ્દોનો ઉપયોગ કરવો એ એક સમુદાય તરીકે આપણે શું બની રહ્યા છીએ તેનું પ્રતિબિંબ છે અને તે ખરેખર દુઃખદ છે. તમે અમારા પુત્ર વિશે, અમારા જીવન વિશે કંઈ જાણતા નથી, અને હું તમને વિનંતી કરું છું કે તમે તમારા મંતવ્યો ઓનલાઈન તે મુજબ નક્કી કરો. આજના વિશ્વમાં થોડી પ્રામાણિકતા અને થોડી દયા ઘણી મદદ કરે છે.”


