- બાયર્ન મ્યૂનિખનો રેકોર્ડ તોડયો
- બાયર લેવરકુસેને સતત 33 મેચમાં અપરાજિત રહેવાનો રેકોર્ડ બનાવ્યો
- લેવરકુસેનની ટીમ બાર બુંદેસલિગા જીતવાની નજીક પણ પહોંચી ગઈ છે
જર્મનીની ફૂટબોલ ક્લબ બાયર લેવરકુસેને ઇતિહાસ રચી દીધો છે. તેણે બુંદેસલિગામાં શુક્રવારે મેન્ઝ સમે 2-1થી જીત મેળવી હતી. આ સિઝનમાં ટીમે ક્લબ ટૂર્નામેન્ટમાં સતત 33 મેચમાં અપરાજિત રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. લેવરકુસેનના કોચ સ્પેનના પૂર્વ ખેલાડી જાવી અલોન્સો છે. તેમના કોચિંગ હેઠળ ટીમે બાયર્ન મ્યૂનિખનો રેકોર્ડ તોડયો છે. લેવરકુસેનની ટીમ બાર બુંદેસલિગા જીતવાની નજીક પણ પહોંચી ગઈ છે. લેવરકુસેન માટે મેન્ઝ સામે પહેલો ગોલ ઇંગ્લેન્ડની ક્લબ આર્સેનલથી આવેલા સ્વિસ ખેલાડી ગ્રાનિટ જાકાએ કર્યો હતો. તેમે મેચની ત્રીજી મિનિટમાં જ ગોલ ફટકાર્યો હતો. જાકાના ગોલની ચાર મિનિટ બાદ જ મેન્ઝે ગોલ કરીને સ્કોર બરાબરી પર લાવી દીધો હતો. તેના માટે ડોમિનિક કોરે સાતમી મિનિટમાં સ્કોર કર્યો હતો. હાફટાઇમ સુધી મેચ 1-1થી બરાબરી પર હતી. તે બાદ બીજા હાફમાં લેવરકુસેને લીડ મેળવી હતી. તેના માટે રોબર્ટ એન્ડ્રિચે મેચની 68મી મિનિટમાં ગોલ કર્યો હતો. તે બાદ બંને ટીમો એકપણ ગોલ કરી શકી નહોતી અને લેવરકુસેનની જીત થઈ હતી.
લેવરકુસેન ત્રણ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે
લેવરકુસેને બુંદેસલિગા ઉપરાંત અન્ય ટૂર્નામેન્ટની મેચ સહિત આ સિઝનમાં કુલ 33 મેચ રમી છે જે દરમિયાન તેણે 29 મેચમાં જીત મેળવી છે જ્યારે ચાર મેચ ડ્રો રહી હતી. આ પહેલાં બાયર્ન મ્યૂનિખની ટીમે 2019થી 2020ની વચ્ચે સતત 32 મેચ અપરાજિત રહેવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેમાં ચેમ્પિયન્સ લીગમાં મળેલી જીત પણ સામેલ છે. લેવરકુસેને આ સિઝનમાં બુંદેસલિગા ઉપરાંત ડીએફબી પોકલ અને યુરોપા લીગ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે.
બુંદેસલિગામાં લેવરકુસેનના 61 પોઇન્ટ
લેવરકુસેન ક્લબના બુંદેસલિગા ટૂર્નામેન્ટના પોઇન્ટ ટેબલમાં કુલ 61 પોઇન્ટ થઈ ગયા છે. 23 મેચમાં ટીમે પોતાની 19 મેચ જીતી છે. ચાર મેચ ડ્રો રહી છે. તે બીજા સ્થાને રહેલી ગત વિદેતા બાયર્ન મ્યૂનિખ કરતા 11 પોઇન્ટ આગળ થઈ ગઈ છે. બાર્યનના 22 મેચમાં 50 પોઇન્ટ છે.


