- રાજ્યસભા ચૂંટણી માટેના સોગંદનામામાં ઉલ્લેખ
- જયા બચ્ચન રૂપિયા 40 કરોડનાં આભૂષણ
- બેન્ક ખાતામાં રૂપિયા 10 કરોડ ધરાવે છે
બોલિવૂડ અભિનેત્રી અને અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચન પાંચમી વારની મુદત માટે રાજ્યસભામાં જઇ રહ્યા છે. તેઓ ચાર મુદતથી સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે અને ફરી એ જ પક્ષમાંથી રાજ્યસભામાં પહોંચશે. જયા બચ્ચન કરોડોની સંપત્તિ ધરાવે છે. સમાજવાદી પાર્ટી તરફથી ફરી રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર દાખલ કરતાં 13 ફેબ્રુઆરી 2024ના રોજ જયા બચ્ચને ચૂંટણી પંચને શપથપત્ર સોંપ્યું હતું. તેમાં 75 વર્ષના જયા બચ્ચન અને પતિ અમિતાભની કુલ સંપત્તિ વિષે જાણકારી આપવામાં આવી છે. સોગંદનામામાં જણાવ્યા મુજબ જયા અને અમિતાભ કુલ 1578 કરોડની ચલ અને અચલ સંપત્તિ ધરાવે છે. સાથે જ વર્ષ 2022-23 દરમિયાન થયેલી આવકનો પણ ઉલ્લેખ છે. તે મુજબ આ વર્ષમાં જયા બચ્ચનને રૂપિયા 1,63,56,190ની આવક મેળવી હતી તો અમિતાભની આવક રૂ. 2,73,74,96,590 હતી.
કોઇ વીમા પોલિસી નહીં :
જયા બચ્ચન રૂપિયા 57,507 રોકડ, બેન્ક ખાતામાં રૂપિયા 10,11,33,172 ધરાવે છે. તો પતિ અમિતાભ બચ્ચન રૂપિયા 12,75,446 રોકડા તો રૂપિયા 120,45,62,083ની બેન્ક ડિપોઝિટ ધરાવે છે. જયા બચ્ચને શેર, બોન્ડ અને ડિબેન્ચર્સમાં રૂપિયા 5,18,57,928નું રોકાણ કરેલું છે. તેમાં અમિતાભ બચ્ચને રૂપિયા 182,42,29,464નું રોકાણ કરેલું છે.
રૂપિયા 40 કરોડનાં ઝવેરાત :
ચાર વાર રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા જયા બચ્ચન ચાર વાહન ધરાવે છે. અમિતાભ રૂપિયા 17 કરોડનું કાર કલેક્શન ધરાવે છે. જયા બચ્ચન રૂપિયા 40 કરોડના આભૂષણ ધરાવે છે. અમિતાભ રૂપિયા 54 કરોડનાં ઝવેરાત ધરાવે છે. દંપતી તેમની કુલ સંપત્તિ પૈકી રૂપિયા 849.11 કરોડની સ્થાવર સંપત્તિ ધરાવે છે. બંને રૂપિયા 729.77 કરોડની જંગમ સંપત્તિ ધરાવે છે.


