ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને જયા એકાદશી વ્રતનું માહાત્મ્ય સમજાવતાં કહે છે કે, `આ એકાદશી કામદા, પુણ્યદા અને મોક્ષદા છે. તે પાપનું હરણ કરનારી અને પિશાચ યોનિમાંથી મુક્તિ અપાવનારી છે. તેનું શ્રવણ અને વાચન કરનારને અગ્નિષ્ટા હોમનું ફળ મળે છે. પદ્મપુરાણમાં પ્રચલિત જયા એકાદશીની કથા આ પ્રમાણે છે –
સ્વર્ગલોકમાં ઈન્દ્ર રાજ્ય કરતો હતો. અન્ય દેવો તથા ઈન્દ્રનો મિત્રસમુદાય નંદનવનમાં પારિજાતના વૃક્ષ નીચે વિવિધ પ્રકારની ક્રીડા કરી રહ્યાં હતા. પુષ્પદંતક, ચિત્રસેન, ચિત્રસેનની પત્ની માલિની, તેનો પુત્ર પુષ્પવાન, પુષ્પવાનનો પુત્ર માલ્યવાન વગેરે ગંધર્વો અપ્સરાઓનું નૃત્ય નિહાળી રહ્યાં હતાં.
પુષ્પવતી નામની ગંધર્વ કન્યા માલ્યવાનને જોઈ મોહ પામી. માલ્યવાન પ્રત્યે પુષ્પવતીને આકર્ષણ થયું. એણે નયનબાણોથી માલ્યવાનને વશ કરી લીધો, કારણ કે આ લાવણ્યમય પુષ્પવતીનું દેવાંશી રૂપ મોહ ઉપજાવે તેવું હતું. તેણે હાવભાવથી માલ્યવાનને મોહપાશમાં બાંધી લીધો.
હે યુધિષ્ઠિર, પુષ્પવતીનું મુખ ચંદ્રસમાન હતું. આંખો અણિયાળી અને મદભરી હતી. એની દેહયષ્ટિ દેદીપ્યમાન હતી. માલ્યવાન પણ એની કમનીય કાયા નિહાળી મોહિત થયો. તે બંનેનું ચિત્ત ગાન-તાનમાં એકાગ્ર બન્યું નહીં. તાલ અને લયમાં ભંગ પડતો હતો. ઈન્દ્ર સમગ્ર પરિસ્થિતિને પામી ગયો. નૃત્યના તાલમાં ઉર્વશીએ ભૂલ કરી હતી, તેથી તેને શાપને લીધે મૃત્યુલોકમાં આવવું પડ્યું હતું, એવી જ રીતે ઈન્દ્રના શાપને લીધે પુષ્પવતી અને માલ્યવાનને ઈન્દ્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા બદલ પાપનું ફળ ભોગવવા માટે મૃત્યુલોકમાં આવવું પડ્યું. અતિ દુઃખી બનેલા બંનેમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે પારખવા જેટલી શક્તિ રહી ન હતી. એમની તો ઊંઘ પણ ઊડી ગઈ. શાંતિથી નિદ્રા પણ લઈ શકતા ન હતા. પુષ્પવતી અને માલ્યવાન વચ્ચે વિશુદ્ધ પ્રેમ ન હતો. સાચા અનુરાગનો અર્થ થાય છે, વિશુદ્ધ પ્રેમ. સાચા સ્નેહમાં સ્વાર્થની ગંધ પણ નથી હોતી. સ્ત્રીનું દિલ જીતવા માટે સિંહાસન પરથી નીચે ઊતરવું પડે છે. માણસ ઉઘાડી આંખે જે રસ્તે જતો નથી એવા રસ્તે પણ પ્રેમ લઈ જાય છે. સ્ત્રીને મન પતિ કરતાં પ્રિય કોઈ નથી. પાપ છુપાવવાથી જ વધે છે. સહન કરવાની શક્તિ એ એક સદ્ગુણ છે. જે સાચો પ્રેમ કરે છે તે સહન કર્યા કરે છે. ખરા હૃદયથી ચાહવામાં કેટલું સુખ છે, કેટલો સંતોષ છે એની જેને ખબર છે તે નિરર્થક પોતાના જીવનમાં દુઃખ અને અશાંતિ લાવવા નથી ઈચ્છતો.
માલ્યવાન અને પુષ્પવતી મૃત્યુલોકમાં આવ્યાં પછી દુઃખી થઈ ગયા. બંને વચ્ચે સંઘર્ષ થવા લાગ્યો. બંનેનાં શરીર ચિંતાને લીધે કૃશ બની ગયાં. એકાદશીના દિવસે બંનેએ ખાધુંપીધું નહીં અને અજાણતા ઉપવાસ થઈ ગયો. પીપળાના વૃક્ષ નીચે તેમણે રાત વ્યતીત કરી અને સહેજે રાત્રિ જાગરણ પણ થઈ ગયું અને જયા એકાદશી વ્રતની ફલશ્રુતિ પણ પ્રાપ્ત થઈ. દ્વાદશીના દિવસે સવારે વિમાનમાં વિરાજમાન થઈ પોતાના મૂળ સ્વરૂપે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. ઈન્દ્રે પુષ્પવંતી અને માલ્યવાનનું સહર્ષ સ્વાગત કર્યું. ઈન્દ્રે કુતૂહલપૂર્વક પૂછ્યું, `માલ્યવાન, તમે કયા પુણ્ય પ્રભાવને લીધે મૃત્યુલોકમાંથી દેવલોકમાં આવ્યા?’ માલ્યવાને કહ્યું, `જયા એકાદશી વ્રતના પુણ્યથી અમને દેવલોકની પ્રાપ્તિ થઈ. ભગવાન નારાયણે અમને દેવલોકમાં મોકલી આપ્યા. આ વ્રતકથાનું જે લોકો શ્રવણ-પઠન કરે છે તેમને અંતકાળે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.’ હે યુધિષ્ઠિર, જયા એકાદશીનું આગમન વસંત ઋતુમાં થાય છે. માલ્યવાન અને પુષ્પવતી વચ્ચે પ્રેમ પાંગર્યો છે તેમાં વસંત ઋતુનો વિજય છે. પાંડુ રાજા અને માદ્રીનું નૈતિક સ્ખલન પણ વસંતવિજયને લીધે થયું હતું. એકલો `પોષ’ કોઈને ન પોસાય, એટલે જીવનને મહાનતા અને ધન્યતા આપનારો `મહા’ માસ પણ જોઈએ. મહા સુદ એકાદશી ખરેખર જીવનને મહાનતા અને ધન્યતા અર્પે છે.