- ભાજપની જીતની હેટ્રીક રોકવા માંગતા વિપક્ષી ગઠબંધનને ફટકો
- ભાજપે ઉત્તર પ્રદેશમાં RLDને 4 લોકસભા બેઠકોની ઓફર કરી
- તૂટી શકે ઉત્તર પ્રદેશમાં તૂટી શકે છે RLD અને સપાનું ગઠબંધન
લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતની હેટ્રિક રોકવાની તૈયારી કરી રહેલા INDI ગઠબંધનને વધુ એક મોટો ફટકો પડી શકે છે. કારણ કે, જયંત ચૌધરી ભાજપ સાથે ગઠબંધનમાં જોડાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો ભાજપે ઉત્તર પ્રદેશમાં RLDને 4 લોકસભા બેઠકોની ઓફર કરી છે. ત્યારબાદ, ચર્ચા શરૂ થઈ ગઈ છે કે RLD અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન તૂટી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે RLDને જે 4 સીટો ઓફર કરી છે તેમાં કૈરાના, બાગપત, મથુરા અને અમરોહાનો સમાવેશ થાય છે. જ્યારે સમાજવાદી પાર્ટી ઈચ્છે છે કે તેના ઉમેદવારો મુઝફ્ફરનગર, કૈરાના અને બિજનૌર લોકસભા સીટ પર RLDના સિમ્બોલ પર ચૂંટણી લડે. જેને કારણે RLD અને સપાનું ગઠબંધન તૂટવાનું કારણ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
જણાવી દઈએ કે, થોડા સમય પહેલા લખનૌમાં જયંત ચૌધરી અને અખિલેશ યાદવની બેઠક બાદ 7 બેઠકો માટે ડીલ થઈ હતી. આ 7 બેઠકોમાંથી બાગપત, મુઝફ્ફરનગર, કૈરાના, મથુરા અને હાથરસ નક્કી છે પરંતુ બે બેઠકો પર નામો અંગે હજુ શંકા હતી. અત્યારે એ નક્કી કરવું શક્ય નથી કે મેરઠ, બિજનૌર, અમરોહા, નગીના અને ફતેહપુર સીકરીમાંથી કઈ વધુ બેઠકો RLD ને આપવામાં આવશે.
તો, મુઝફ્ફરનગરમાં ઉમેદવારને લઈને સપા અને RLD વચ્ચે ખેંચતાણ થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમાજવાદી પાર્ટી ઈચ્છે છે કે હરેન્દ્ર મલિક ત્યાંથી RLDના સિંબલ સાથે ચૂંટણી લડે. RLDના ઘણા સ્થાનિક નેતાઓ આની વિરુદ્ધ છે અને તેઓ નથી ઈચ્છતા કે હરેન્દ્ર મલિકને મુઝફ્ફરનગર સીટ આપવામાં આવે. કારણ એ છે કે ચૌધરી પરિવાર સાથે જૂની દુશ્મનાવટ છે જ્યારે હરેન્દ્ર મલિક કોંગ્રેસમાં હતા અને મુઝફ્ફરનગર બેઠક ચૌધરી પરિવારની મુખ્ય બેઠક માનવામાં આવે છે.


