નાતાલ પર્વની ઉજવણી ભગવાન ઈસુના જન્મદિન સંદર્ભે કરવામાં આવે છે. દરેક મહાન વિભૂતિનો જન્મ એક ઉદ્દેશ્ય માટે થતો હોય છે. મસીહા ઈસુનો જન્મ પણ જગતને માનવધર્મ સમજાવવા માટે થયો હતો. તે પ્રભુના સંદેશાવાહક બનીને આવ્યા હતા.
ઈસુનો જન્મ અને ઉદ્દેશ્ય
ઈસુ મસીહાનો જન્મ જેરુસલેમના જંગલમાં (ક્યાંક બેથલહેમમાં પ્રાણીઓથી ભરેલા તબેલા કે ગમાણમાં થયાનો ઉલ્લેખ છે.) થયો હતો. જન્મ બાદ તેમને વીંટાળવા માટે કપડું પણ ન હતું. આ બાળ ઈસુ મસીહાને જંગલમાં પ્રાણીના ચામડામાં વીંટાળીને રાખવામાં આવ્યા હતા.
બાઈબલના આધારે કહીએ તો મરિયમને એવો સંદેશ મળ્યો હતો કે તેમની કૂખેથી ઈશ્વરપુત્ર જન્મ લેશે. ફિલિસ્તાનમાં હિરોદ નામનો રાજા રાજ કરતો હતો. તે સમયે મરિયમે ઈસુ મસીહાને જન્મ આપ્યો. બાળપણથી ઈસુને ધર્મ અને જ્ઞાનની વાતોમાં રસ હતો. તે બાર વર્ષના હતા ત્યારે સૌથી વધુ સમય ચર્ચમાં પસાર કરતા હતા અને તેમને ચર્ચનું આધ્યાત્મિક વાતાવરણ હંમેશાં પ્રભાવિત કરતું. ઈસુ જ્યારે ત્રીસ વર્ષના થયા ત્યારે તેમની મુલાકાત એક મહાત્મા યૂહન્ના, જે જોનના નામે ઓળખાતા હતા તેમની સાથે થઈ. તેમનું પ્રવચન સાંભળ્યા બાદ ઈસુનું સમગ્ર જીવન બદલાઈ ગયું. જોનની દિવ્ય વાણીએ ઈસુને પણ માનવધર્મના સંરક્ષક તરીકે કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડી. તેમણે જોન પાસેથી દીક્ષા લીધી અને તે પણ ગુરુના દર્શાવેલા પથ પર ચાલી નીકળ્યા. ત્રીસ વર્ષની ભરયુવાનીમાં તેમણે ગૃહત્યાગ કરી દીધો અને લોકોને નાતજાત, અમીર, ગરીબના ભેદભાવ ભુલાવીને પ્રેમ અને કરુણાનું હૃદયમાં નિર્માણ કરવાની પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે પ્રેમ, કરુણા અને સૌહાર્દથી જ જગતમાં ઈશ્વરનું રાજ્ય સ્થાપિત થશે. આ રીતે ઈસુ મસીહા દરેક મનુષ્યમાં સદ્ભાવનાનું ઝરણું વહેવડાવીને ધરતી પર જ સ્વર્ગસમું વાતાવરણ ઊભું કરવા માગતા હતા.
ઈસુ મસીહાના અનુયાયીઓની સંખ્યા વધવા લાગી હતી. તે ધર્મના નામે દંભ કરનાર લોકોને પરવડે તેમ ન હતું, કારણ કે લોકો ઈસુ મસીહા તરફ વળી રહ્યા હતા તેથી ધર્મના નામે પોતાનો વ્યવસાય ચલાવનારને આ બાબત નુકસાનકારક સાબિત થતી હતી. માત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટે તેમણે ઈસુ મસીહાને પકડવાનું અને દંડ આપવાનું એક કાવતરું રચ્યું. કટ્ટરપંથીઓએ રોમન ગવર્નર પિલાતુસને ઈસુની ફરિયાદ કરી.
પિલાતુસને પોતાની સત્તા ટકાવી રાખવા માટે કટ્ટરપંથીઓના સમર્થનની જરૂર હતી તેથી તેમણે તેમની ફરિયાદ સાંભળી અને તરત જ રોમન ગવર્નરે ઈસુ મસીહા મૃત્યુ ન પામે ત્યાં સુધી ક્રોસ પર લટકાવી દેવાની સજા ફરમાવી. લોહી નિતરતા આ મસીહાના દેહે તો નફરત અને ક્રૂરતાનો જવાબ પણ સ્નેહ અને સદ્ભાવથી જ આપ્યો. આખરે ક્રોસ પર જ તેમણે અંતિમ શ્વાસ લીધા.
કહેવાય છે કે મૃત્યુના ત્રણ દિવસ બાદ તેમનું પુન:ઉત્થાન થયું હતું. ત્યારબાદ 40 દિવસ પછી તે સીધા સ્વર્ગે સિધાવી ગયા. યાતનાને લીધે લોહીથી લથપથ મસીહાએ જતાં જતાં પણ વિરોધીઓને ક્ષમા આપતાં એટલું જ કહ્યું કે, `હે પ્રભુ, આ લોકોને તું માફ કરી દેજે, કારણ કે તે નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે.’ આવા હતા ઈસુ મસીહા, જેમણે ક્ષમાશીલતા અને પ્રેમથી જગતમાં પોતાનું સ્થાન અમર કરી દીધું.
નાતાલની ઉજવણી
નાતાલની ઉજવણી ઈસુ મસીહાના જન્મદિન નિમિત્તે કરવામાં આવે છે. દરેક મહાન વિભૂતિનો જન્મ એક ઉદ્દેશ્ય માટે થતો હોય છે. ઈસુનો જન્મ પણ જગતને માનવધર્મ સમજાવવા માટે થયો હતો. તે પ્રભુના સંદેશાવાહક બનીને આવ્યા હતા. નાતાલ એટલે કે ક્રિસમસની ઉજવણી ઈસુના જન્મના સ્મરણાર્થે કરવામાં આવે છે. પરંપરાગત રીતે 25 ડિસેમ્બરને ઈસુની જન્મજયંતી તરીકે મનાવવામાં આવે છે. નાતાલ મનુષ્યમાત્રને ઈશ્વર સાથે જોડાવાની તક આપે છે. આપણે ઈશ્વરના પ્રેમને ઓળખીએ, તેમના પ્રેમથી સભર બનીએ ત્યારે જાણે સમગ્ર દુનિયાને પણ આ પ્રેમસૂત્રમાં બાંધીએ છીએ. નાતાલનું પર્વ પ્રેમ અને આશાનું પર્વ છે.
નાતાલના દિવસે ચર્ચમાં જઈને લોકો પ્રાર્થના કરે છે. ચર્ચ તથા અન્ય જગ્યાઓ પર ઈસુ મસીહાના જન્મસમયની આબેહૂબ ઝાંખી તૈયાર કરવામાં આવે છે. લોકો ઘરે પવિત્ર ક્રિસમસ ટ્રી લાવીને તેને લાઈટિંગ સહિત અન્ય શણગારની વસ્તુઓથી સજાવે છે. લોકો એકબીજાને ભેટ આપે છે અને `મેરી ક્રિસમસ’ કહીને આનંદ વ્યક્ત કરે છે. બાળકો કેક, પેસ્ટ્રી, કૂકીઝ અને મીઠાઈ ખાઈને મજા કરે છે. ઘણી જગ્યાએ સાંતાક્લોઝ આવીને બાળકોને વિવિધ ગિફ્ટ પણ આપે છે.