દિવસના રેકી કરી મધરાતે ચોરી કરતી ગેંગ : સગીર સહિત છ શખ્સોની 3.14 લાખના મુદામાલ સાથે અટકાયત
અગ્ર ગુજરાત, રાજકોટ
પાટણવાવ સહિત સૌરાષ્ટ્ર ભરમાં જેટકો સબ સ્ટેશનમાંથી ચોરી કરનાર તસ્કર ગેંગને રૂરલ એલસીબીની ટીમે પકડી પાડી રૂ.3.14 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ટોળકી દિવસના ઇક્કો ગાડીમાં નીકળી મોડી રાતે પાવર સ્ટેશનમાં ત્રાટકતી હતી.
બનાવ અંગે પાટણવાવ પાસે આવેલ જેટકો જી.ઇ.બી. 66 કે.વી. સબ સ્ટેશનમા જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવતા ગૌરાંગભાઇ કેશવજીભાઇ વાઢીયાએ ગઇ તા 05 ના રાત્રીના સમયે 66 કે.વી. સબ સ્ટેશનમા આવેલ 11 કે.વી. કેપીસેટર બેંકના ત્રણ રીએક્ટર રૂ. 1.17 લાખની મતાની ચોરી થયા અંગે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હામા સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવાની આપેલ સુચનાથી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહીલ અને આર.વી.ભીમાણીએ અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હતી.
એ દરમ્યાન એએસઆઈ શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા, કૌશીકભાઇ જોષી અને કોન્સ્ટેબલ ભાવેશભાઇ મકવાણાને હ્યુમન તથા ટેકનીલક સોર્સીસથી મળેલ સંયુક્ત બાતમીના આધારે આરોપીઓને ગુન્હામા ઉપયોગમા લિધેલ વાહનની પોકેટ કોપથી ઓળખ કરી સગીર સહિત 6 આરોપીઓને મોટીમારડ ગામે ચીખલીયા રોડ પરથી ઇકો કાર, મોબાઈલ ફોન-3, સ્ટીલના પાના, લોખંડનું કટર અને રોકડ મળી કુલ રૂ.3,14,050 ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.
પકડાયેલ આરોપીઓમાં કાટીયો ઉર્ફ કટી ઉર્ફ અશોક નરશી વિરમગામીયા (ઉ.વ. 35, રહે. મોરબી, વીસીપરા, મુળ રહે. ગામ કંકાવટી, ધાંગંધ્રા), આકાશ સુરેશ વિકાણી (ઉ.વ.24, રહે. રાજકોટ માધાપર ચોકડી દ્રારકાધીશ પેટ્રોલપંપ પાછળ, મુળ રહે. મોરબી લીલાપર રોડ), ઘનશ્યામ રાજુ હળવદીયા (ઉ.વ.26, રહે. મોરબી લીલાપર રોડ સાત હનુમાન મંદીર પાસે, મુળ રહે. વઢવાણ કુષ્ણનગર પાણીની ટાંકી પાસે), શંભુ કરશન ખાવડીયા (ઉ.વ.38, રહે. ધાંગ્રધ્રા વાદીપરા ત્રણ માળીયા પાછળ રાજપર રોડ) અને વિજય ઉર્ફે કાળીયો વિનોદ સોલંકી (ઉ.વ.28, રહે. મોરબી વીસીપરા મેઇનરોડ હનુમાનજીના મંદીર સામે) તેમજ એક સગીરનો સમાવેશ થાય છે.
જ્યારે આ તસ્કર ટોળકીના સાગરીત દીપક કેશુ ડેરવાણીયા (રહે. મોરબી), શાયર દલસુખ મકવાણા (રહે. રાજકોટ), અણ વજુ વિરમગામીયા (રહે અમદાવાદ) અને કરણ ઓઘા ભુતીયા (રહે. મોરબી) પોલીસના હાથે ન આવતાં તેની શોધખોળ યથાવત રખાઈ છે.
વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, તસ્કર ટોળકી જેટકો જીઇબી સબ સ્ટેશનમાં પાવર બેંકના પડેલ રિએક્ટરના આઇસોલેટેડ કેબલ કટર દ્વારા કાપી જમ્પર ખોલી રિએક્ટરની ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતા હતાં. તસ્કર ટોળકીએ જુનાગઢ અમરેલી વિસ્તારોમાં પણ ચોરીને અંજામ આપ્યાની કબુલાત આપેલ છે.


