જેતપુરમાં 24 કલાકમાં બીજી હત્યાથી ખળભળાટ : ગૃહકલહમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
ગળેફાંસો આપી હત્યા કરી લાશ ફેંકી દીધી : ઉદ્યોગનગર પોલીસે આરોપી પતિને ઝડપી લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક બનતી જઈ રહી છે. 24 કલાકની અંદર બીજી હત્યાનો બનાવ સામે આવતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. ગૃહકલહમાં પતિએ પત્નીને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી દીધી હોવાનો ખુલાસો થયો છે. બનાવ અંગે પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને દબોચી પૂછપરછ શરૂ કરી છે.
આ મામલે મૂળ સુરત નિવાસી જયેશકુમાર કાળીદાસ રાઠોડ (ઉ.વ. 35)ની ફરિયાદ પરથી ઉદ્યોગનગર પોલીસએ આરોપી ગજાધરસિંહ ઉર્ફે મામૂ (રહે. જેતપુર, રબારીકા રોડ ઉદ્યોગનગર વિસ્તાર) સામે ગુનો દાખલ કર્યો છે. મૃતક અનિતાબેન ફરિયાદીની બહેન હોવાનું જાણવા મળ્યું છે.
ફરિયાદ મુજબ અનિતાબેન અગાઉ કામના સિલસિલામાં અલગ-અલગ જગ્યાએ રહેતા હતા. તેઓ છેલ્લાં ચાર વર્ષથી ગજાધરસિંહ ઉર્ફે મામૂ સાથે રહીને મજૂરી કામ કરતા હતા. તાજેતરમાં બંને જેતપુરના રબારીકા રોડ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા ‘સગુણા’ નામના સાડીના કારખાનામાં કામ કરતા હતા અને ત્યાં જ કારખાનાની ઓરડીમાં રહેતા હતા.
ગત તારીખે અનિતાબેન અચાનક નજરે ન પડતા શંકા ઊભી થઈ હતી. બાદમાં પોલીસ તપાસ દરમિયાન કારખાનાની દિવાલ પાછળ આવેલી ખુલ્લી જગ્યામાંથી અનિતાબેનની લાશ મળી આવી હતી. આ દરમિયાન આરોપી ગજાધરસિંહ થેલો લઈને કારખાનેથી ફરાર થયો હોવાની વિગતો સામે આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે હત્યાની રાત્રે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ઝઘડાના અંતે આરોપીએ અનિતાબેનને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને પુરાવા છુપાવવાના ઇરાદે લાશ ફેંકી દીધી હતી.
બનાવની ગંભીરતા જોતા ઉદ્યોગનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ આરોપી સામે વધુ પૂછપરછ ચાલી રહી છે અને પોલીસે ઘટનાના તમામ પાસાંની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


