જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
પાંચ વિઘામાં સર્જાયેલો વિનાશ : ખેડૂતને લાખોનું નુકશાન
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર તાલુકાના દેરડી ગામે ખેડૂતોની આખું વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દેરડી ગામના સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે તૈયાર ઘઉંના પાકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં 5 વીઘામાં ઉભેલો ઘઉંનો પાક બળીને રાખ થઈ જતાં ખેડૂત પરિવાર આર્થિક પાયમાલીના આરે આવી ગયો છે.
મળતી વિગત મુજબ જેતપુરના દેરડી ગામના મોણપર રોડ પર બટુકભાઈ ગોંડલીયાની વાડી આવેલી છે. ગઈ કાલે બપોરના સમયે વાડી પરથી પસાર થતી વીજ લાઈનના પોલમાંથી અચાનક તણખાં ઝર્યા હતા. સુકો અને તૈયાર પાક હોવાથી આગે તરત જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ખેડૂત કંઈ સમજે કે આગ બુઝાવવાનો પ્રયાસ કરે તે પહેલા જ પવનના વેગે આખી વાડીમાં આગ ફેલાઈ ગઈ હતી. ચાર મહિનાની હાડ થીજવતી ઠંડીમાં રાત-દિવસ એક કરીને પકવેલો પાક નજર સામે બળતો જોઈ ખેડૂત ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા.
બટુકભાઈ ગોંડલીયા એ જણાવ્યું કે, “આજે જ ખેતરમાં ઘઉં કાપવા માટે કટર આવવાનું હતું, પરંતુ એ પહેલા જ શોર્ટ સર્કિટના કારણે બધું જ બળી ગયું. ચાર મહિનાની મહેનત અને હજારો રૂપિયાનો ખર્ચ એક ક્ષણમાં રાખ થઈ ગયો છે.પ્રાથમિક અંદાજ મુજબ, 5 વીઘાના ઘઉં બળી જવાથી ખેડૂતને આશરે ₹1.50 લાખથી વધુનું નુકસાન થયું છે. હવે સરકાર પાસે જ આશા છે કે અમને યોગ્ય વળતર મળે. તંત્ર વહેલી તકે નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે.


