સાળાને ત્યાંથી જુનાગઢના વૃદ્ધ રાત્રે સુવા માટે તેમના બનેવીના ઘરે ગયા ત્યારે બની ઘટના
જૂનાગઢના આઝાદ ચોક વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપત્તિ અને તેમની પુત્રી ત્રણેય રાજકોટ સાળાના દીકરાનો લગ્ન પ્રસંગ હોવાથી ધ્રુવનગર રૈયા રોડ ખાતે આવ્યા હતા. રાત્રે આ દંપત્તિ અને તેમની પુત્રી સુવા માટે તેમના બનેવીના ઘરે ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખસો રૂમમાં રહેલો થેલી ફંગોળી અંદરથી 2.45 લાખના ઘરેણા ચોરી જતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ જૂનાગઢના આઝાદ ચોકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામેની ગલીમાં માળીના ડેલા તરીકે ઓળખાતી જગ્યામાં રહેતા ચેતનભાઇ હિંમતલાલ ભટ્ટ તેમના પત્ની ભાવનાબેન અને પુત્રી પલક ત્રણેય ગત તારીખ 8 જુલાઈ ના રોજ રાજકોટ ખાતે રૈયારોડ પર ધ્રુવનગરમાં રહેતા સાળા શૈલેષભાઈ નાથાભાઈ જાનીના પુત્રની સગાઈ અને લગ્ન પ્રસંગ હોવાથી આવ્યા હતા. તે સમયે સગાઈ નો પ્રસંગ પૂર્ણ કરી ચેતનભાઇ અને તેમની પુત્રી બને જુનાગઢ ચાલ્યા ગયા હતા. બાદમાં લગ્ન પ્રસંગ હોવાથી બીજા દિવસે ચેતનભાઇ અને તેની પુત્રી બંને પરત રાજકોટ આવ્યા હતા અને પ્રસંગ માણ્યો હતો. સવારે જાન જવાની હોવાથી રાત્રે સુવા માટે ચેતનભાઇ તેમના પત્ની ભાવનાબેન અને પુત્રી પલક ત્રણેય તેમના બનેવી રૈયા રોડ પેરેડાઇઝ હોલની સામે શ્રી રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ પ્રવીણચંદ્ર જાનીના ઘરે ગયા હતા.
રાત્રી દરમિયાન રૂમમાં રાખેલો થેલો ફંગોળી અંદરથી 2.45 લાખની માતાના ઘરેણા ચોરી ગયા હતા. સવારે તે પહેરવા માટે જોતા જોવા ન મળતા ચોરીનો મામલો સામે આવ્યો હતો. તે દિવસે જુનાગઢ ભુલાઈ ગયા હશે.તેવું માની આ પરિવાર પરત જૂનાગઢ ચાલ્યો ગયો હતો. પરંતુ ત્યાં પણ ઘરેણા નહીં મળતા આ મામલાની બનેવી જયેશભાઈ જાનીને વાત કરતા તેઓએ પરત રાજકોટ આવવાનું કહ્યું હતું. આથી ચેતનભાઇ રાજકોટ આવતા આ મામલા અંગેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગેની તપાસ પી.એસ.આઇ ગોહિલ ચલાવી રહ્યા છે