- બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું
- મકાનમાલિક મકાન બંધ કરીને બહાર ગયા હતા
- આટલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ હજુ વણઉકલ્યો રહ્યો છે
ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગામે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને રૂા. 3.25 લાખની કિંમતના સોનાચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા.
પડવાણીયા ગામે પટેલ ફ્ળિયામાં રહેતા મુકેશભાઇ અંબાલાલ પટેલની દિકરી વડોદરાના હરણી ખાતે રહે છે. જ્યારે તેમનો દિકરો તેની પત્ની સાથે કેનેડા રહે છે. મુકેશભાઇ ગત તા.1 લીના રોજ ઘર બંધ કરીને પત્ની સાથે વડોદરા ખાતે દિકરીને ત્યાં ગયા હતા, અને ઘરની ચાવી ફ્ળિયામાં રહેતા અનવરભાઇ સિંધીને આપેલ હતી. દરમિયાન તા.15 મીના રોજ તેમના ખેતરમાં કપાસ વિણવા મજુરો આવેલ હોઇ પડવાણીયાના સુનિલ વસાવાએ કપાસ ક્યાં મુકવો તે બાબતે પુછવા મુકેશભાઇને ફેન કરતા તેમણે જણાવેલ કે અનવરભાઇને ત્યાં ચાવી આપેલ છે ત્યાંથી ચાવી લઇને કપાસ ઘરમાં મુકજો એમ જણાવેલ હતું. ત્યારબાદ થોડીવાર પછી સુનિલે મુકેશભાઇને ફેન કરી જણાવેલ કે ઘરના દરવાજાનું તાળુ તુટેલું છે. જેથી મુકેશભાઇએ તેમના ભાભીને ઘરમાં તપાસ કરવાનું કહેતા ઘરમાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. જેથી મુકેશભાઇ અને તેમના પત્ની ઘરે પાછા આવ્યા હતા. અને જોયું તો ઘરનો સામાન વેરવિખેર હતો અને ટીવી નીચે મુકેલ કબાટ ખુલ્લું હતું. કબાટમાં ચેક કરતા તેમાં મુકેલા સોનાચાંદીના દાગીના હતા નહિ. તપાસ કરતા જાણ થઇ હતીકે તસ્કરો સોનાચાંદીના વિવિધ દાગીના મળી કુલ રુપિયા 325500 નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. ચોરીની આ ઘટના બાબતે ચોરીનો ભોગ બનેલ મકાનમાલિક મુકેશભાઇ અંબાલાલ પટેલ રહે.પટેલ ફ્ળિયું પડવાણીયા તા.ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસ મથકે ફરીયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ઘરફેડ ચોરીના બનાવો વધતા તાલુકાની જનતા ચિંતિત બની છે. ભુતકાળમાં પણ ઘરફોડ ચોરીની કેટલીક મોટી ઘટનાઓ બની હતી, જે પૈકી ચોરીની ઘણી ઘટનાઓના ભેદ હજુ વણઉકલ્યા રહ્યા છે. તાલુકાના અછાલિયા ગામે વર્ષો પહેલા રુપિયા 25 લાખ જેટલા સોનાચાંદીના દાગીના સહિત રોકડ રકમનો મુદ્દામાલ ચોરાયો હતો અને ઘરના મોભીનું આને લઇને હાર્ટ એટેકથી મોત થયું હતું. વર્ષો વિતવા બાદ પણ આટલી મોટી ઘરફેડ ચોરીનો ભેદ હજુ વણઉકલ્યો રહ્યો છે.


