- ઝારખંડના સીએમ હેમંત સોરેનની વધી મુશ્કેલી
- જમીન ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડરીંગનો મામલો
- અત્યાર સુધીમાં 14 લોકોની થઇ છે ધરપકડ
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનો ઇડીએ છઠ્ઠીવાર સમન પાઠવ્યુ છે. 12 ડિસેમ્બરે ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે નવેસરથી સમન્સ જારી કર્યું હતું. જો કે અગાઉ પણ આ મામલે તેમને 5 વખત સમન પાઠવવામાં આવ્યા હતા પરંતુ તેઓ પૂછપરછ માટે હાજર રહ્યા ન હતા.
આવતીકાલે હાજર થવું પડશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોરેનને ફેડરલ એજન્સીની ઓફિસમાં હાજર થવા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રીએ 12 ડિસેમ્બરે ED સમક્ષ હાજર થવાનું છે.
છઠ્ઠી વખત નોટિસ ફટકારી
ઉલ્લેખનીય છે કે સોરેનને છઠ્ઠી વખત નોટિસ પાઠવવામાં આવી છે. પ્રથમ પાંચ સમન્સ પાઠવ્યા પરંતુ તેઓ હાજર થયા નહી. કારણ કે તેમણે EDની કાર્યવાહીથી રક્ષણ મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
શું છે મામલો ?
ED આ કેસની તપાસ કરી રહી છે જેમાં આરોપ છે કે ઝારખંડમાં માફિયાઓ દ્વારા જમીનની માલિકીના ગેરકાયદેસર ફેરફારનું મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં 2011 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છવી રંજનનો પણ સમાવેશ થાય છે, જેઓ અગાઉ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના ડિરેક્ટર અને રાંચીના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. 48 વર્ષીય ઝારખંડ મુક્તિ મોરચા (JMM) નેતાની ED દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્યમાં કથિત ગેરકાયદેસર ખાણકામ સંબંધિત અન્ય મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.


