- ઝારખંડ કોંગ્રેસને પડ્યો ફટકો
- એક માત્ર સાંસદ પણ જોડાયા બીજેપીમાં
- ગીતા કોડા ભાજપમાં જોડાયા
લોકસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટાનો દોર શરૂ થયો છે. હવે ઝારખંડમાં કોંગ્રેસને ઝટકો મળ્યો છે. પાર્ટીના એકમાત્ર સાંસદ ગીતા કોડા ભાજપમાં જોડાયા છે. ગીતા કોડા ઝારખંડ ભાજપ અધ્યક્ષ બાબુલાલ મરાંડી અને વિપક્ષના નેતા અમર બૌરીની હાજરીમાં ભાજપમાં જોડાયા. ગીતા કોડા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાના પત્ની છે. ગીતા કોડા સિંહભૂમથી સાંસદ છે.
હું કોંગ્રેસ પાર્ટીમાં ગૂંગળામણ અનુભવતી- ગીતા કોડા
ભાજપમાં જોડાયા બાદ સાંસદ ગીતા કોડાએ કહ્યું, “કોંગ્રેસ પાર્ટી કહે છે કે તે બધાને સાથે લઈ જશે, પરંતુ તે માત્ર તેના પરિવારને સાથે લઈને ચાલે છે. જ્યાં જનહિત હોય ત્યાં જ રહેવું જોઈએ. કોંગ્રેસમાં જનહિતની અવગણના કરવામાં આવી રહી છે. તેથી મારુ તે પાર્ટીમાં રહેવુ યોગ્ય ન હતું. . હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ છું અને અહીં રહીને જનહિત માટે કામ કરીશ.તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે હું ત્યાં ગૂંગળામણ અનુભવતી હતી.
કોણ છે ગીતા કોડા ?
ગીતા કોડા સિંઘભૂમથી લોકસભામાં પહોંચનાર પ્રથમ સાંસદ છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં NDAના ઉમેદવાર અને તત્કાલીન ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવાને હરાવ્યા હતા. અગાઉ 2014ની લોકસભા ચૂંટણીમાં લક્ષ્મણ ગિલુવાએ ગીતા કોડાને હરાવ્યા હતા. જ્યારે 2009માં થયેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ગીતા કોડા 25 હજાર મતોના માર્જિનથી જીત્યા હતા. તે દરમિયાન તેમણે ઝારખંડની સૌથી યુવા ધારાસભ્ય હોવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તે સમયે ગીતા કોડાની ઉંમર 25 વર્ષની હતી. ગીતા કોડા 2018માં કોંગ્રેસમાં જોડાયા હતા.
અરુણાચલ પ્રદેશમાં વિપક્ષને ફટકો
અરુણાચલ પ્રદેશમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના 2 ધારાસભ્યો અને 2 નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) ધારાસભ્યો રવિવારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 4 ધારાસભ્યોના પક્ષપલટાને કારણે વિધાનસભામાં બંને પક્ષોના ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે 60 સભ્યોની અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ અને NPP બંને પાસે 2-2 ધારાસભ્યો બાકી છે.
રિતેશ પાંડેએ BSPમાંથી રાજીનામુ આપ્યુ
આંબેડકર નગરથી બહુજન સમાજ પાર્ટીના લોકસભા સાંસદ રિતેશ પાંડેએ BSPના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું . રિતેશ આજે ભાજપમાં જોડાઈ ગયા છે. સંસદના બજેટ સત્ર દરમિયાન સંસદ ભવનની કેન્ટીનમાં લંચ લેનારા 9 સાંસદોમાં રિતેશ પાંડે પણ સામેલ હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ આંબેડકર નગરથી રિતેશ પાંડેને ટિકિટ આપી શકે છે. રાજકીય પરિવારમાંથી આવતા રિતેશના પિતા રાકેશ પાંડે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે.


