દુનિયાભરના લોકો રાજસ્થાનના મહેલો અને રાજસ્થાની સંસ્કૃતિને માણવા આવે છે. આ પર્યટકોમાં કેટલાક લોકો રાજસ્થાનમાં આવેલાં મંદિરોને જોઈને પણ ધન્યતા અનુભવે છે. આમ તો રાજસ્થાનમાં કેટલાંય પ્રસિદ્ધ મંદિરો છે.
આ મંદિરોમાં જયપુરમાં આવેલું બિરલા મંદિર, ઉદયપુરનું એકલિંગજી અને અંબિકા મંદિર ઉપરાંત જૈન મંદિરો તેમજ પુષ્કરમાં આવેલા ભગવાન બ્રહ્માજીના મંદિરનો સમાવેશ થાય છે. જોકે, આ બધાં મંદિરોને બાદ કરતાં એક એવું પણ મંદિર છે જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશીર્વાદ મેળવવા આવે છે. આ મંદિર રાજસ્થાનના ઝુંઝુનૂમાં આવેલું છે. ઝુંઝુનૂ રાજસ્થાનનું એક જૂનુંપુરાણું શહેર છે જે ખાસ કરીને ત્યાં આવેલી નકશીદાર હવેલીઓ માટે જગપ્રસિદ્ધ છે. રાજસ્થાનનું આ શહેર અન્ય શહેરો કરતાં ખૂબ જ અલગ પડી જાય છે, જેનું મુખ્ય કારણ અહીંની હવેલી, મહેલો અને મંદિરોનો વાસ્તુશિલ્પ ઇતિહાસ છે.
રાજસ્થાનના ઝુંઝુનૂમાં રાની સતીજીનું મંદિર આવેલું છે. શહેરની મધ્યમાં આવેલું આ મંદિર શ્રદ્ધા-આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરને લઈને આશ્ચર્યની વાત એ છે કે આ મંદિરને બહારથી જોતાં તમને કોઇ મોટો રાજમહેલ જ લાગે છે, પરંતુ અંદર પ્રવેશતા જ તે મંદિર જણાય છે. આરસપહાણના આ મંદિરની દીવાલો પર કલાત્મક અને આકર્ષક ચિત્રો દોરવામાં આવ્યાં છે. બારેમાસ આ મંદિરમાં શ્રદ્ધાળુઓની વિશેષ ભીડ જોવા મળે છે. ખાસ કરીને શનિવાર અને રવિવારના રોજ રાજસ્થાન આસપાસનાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો રાની સતીજીનાં દર્શનાર્થે આવે છે.
કેમ પ્રસિદ્ધ છે રાની સતીજીનું મંદિર?
રાની સતીજીને સમર્પિત ઝુંઝુનૂનું આ મંદિર 400 વર્ષ જૂનું છે અને આ મંદિર માન-સન્માન, મમતા અને સ્ત્રીશક્તિનું પ્રતીક છે. દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ મંદિરના દર્શનાર્થે આવે છે. ભક્તો અહીં વિશેષ પ્રાર્થના કરવાની સાથે ભાદરવા મહિનાની અમાસના દિવસે યોજાતા ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લેવા ચોક્કસપણે પધારે છે. એક માન્યતા એવી પણ છે કે આ અનુષ્ઠાનમાં ભાગ લેવાથી તેમના મનોરથ પૂર્ણ થાય છે અને તમામ દુઃખો દૂર થાય છે.
મંદિરમાં પણ અનેક મંદિર
રાની સતીજી મંદિરનું પરિસર ખૂબ જ વિશાળ છે. આ પરિસરમાં અન્ય મંદિરો પણ આવેલાં છે. ભગવાન શિવશંકર, ગણેશજી, માતા સીતા તેમજ ભગવાન શ્રી રામ સાથે ભગવાન હનુમાનનું મંદિર અહીં જોવા મળે છે. આ ઉપરાંત અહીં મંદિર પરિસરમાં ષોડ્શ માતાનું મંદિર પણ આવેલું છે. જેમાં કુલ 16 દેવીઓની મૂર્તિઓ જોવા મળે છે. પરિસરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર પણ છે, જે ખૂબ જ આકર્ષિત કરે છે.
રાની સતીજી પરની શ્રદ્ધા
રાજસ્થાનના મારવાડી લોકોને રાની સતીજી પર ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ છે. તેમના માટે રાની સતીજી, સ્ત્રીશક્તિનું પ્રતીક અને માતા દુર્ગાના અવતાર હતાં એવી તેમની ધાર્મિક માન્યતા છે. જેમણે પોતાના પતિના હત્યારાને મારીને બદલો લીધો હતો. ત્યારબાદ તેમણે સતી થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. (જોકે, હવે મંદિરના લોકો સતીપ્રથાનો વિરોધ કરે છે.) મંદિરના ગર્ભગૃહની બહાર જ મોટા અક્ષરમાં લખ્યું છે કે, અમે સતીપ્રથાનો વિરોધ કરીએ છીએ. નોંધનીય છે કે ભારતનાં જેટલાં પણ ઉચ્ચ ધનાઢ્ય મંદિરો છે તે મંદિરોમાં રાની સતીજીના મંદિરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મંદિરનાં દર્શનનો સમય
માતા સતીજીનું મંદિર સવારે પાંચ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી અને બપોરના ત્રણ વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ મંદિરમાં પ્રવેશવા માટે યોગ્ય પોશાક પહેરવા જરૂરી છે. મંદિરમાં બરમૂડા કે સ્કર્ટ પહેરનારી વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી.
ઝારખંડમાં પણ માતા સતીજીનું મંદિર છે!
મારવાડી સમાજનાં કુળદેવી કહેવાતાં માતા સતીજીનું મંદિર રાજસ્થાન સિવાય ઝારખંડમાં પણ આવેલું છે. ઝારખંડની રાજધાની રાંચીથી અંદાજે 165 કિમી. દૂર પલામૂ જિલ્લાના રેડમા ચોકની નજીક માતા સતીજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. મૂળ આ મંદિરનું નવનિર્મિત રૂપ ડિસેમ્બર 2023માં કરવામાં આવ્યું હતું. જોકે, આ મંદિરની સ્થાપના બિહારીજી દ્વારા વર્ષ 1958માં કરવામાં આવી હતી. આ મંદિર રાજસ્થાનનાં માતા સતીજીના સ્વરૂપમાં જ બનાવવામાં આવ્યું છે. અલબત્ત, આ મંદિર રાજસ્થાન માતા સતીજીને સમર્પિત છે.
રાની સતીજી દાદી વિશેની લોકવાયકા
રાની સતીજીનું વાસ્તવિક નામ નારાયણી દેવી છે તેમ કહેવામાં આવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે તેમણે તેમના પતિની હત્યાનો બદલો લઇને સતી થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ રાજસ્થાનના લોકો તેમને શક્તિનું વિરાટ સ્વરૂપ માનવા લાગ્યા અને રાની સતીજી તરીકે તેમની પૂજા-અર્ચના કરવા લાગ્યા હતા. રાની સતીજીને ઘણા લોકો તેમને રાની સતી દાદી તરીકે પણ સંબોધે છે અને તેમને માનપૂર્વક-શ્રદ્ધાપૂર્વક પૂજે છે.