- રાજકુમાર થાંભલાની કોતરણી જુએ છે. એના ઘાટ અને ઘડાઈ જોઈ પ્રસન્ન થઈ ગયા
કલિંગ દેશના પાટનગરની વાત કરવી છે. તે સમયે વસંતપુર નગર કલિંગનું પાટનગર હતું. એની શોભા વસંતઋતુ જેવી હતી. ઠેર ઠેર બાગ-બગીચા હતા. દરેક ઋતુનાં પુષ્પો એમાં આવતાં. જેના કારણે નગરમાં આવનારો માણસ સુગંધિત વાતાવરણથી પ્રસન્નતાનો અનુભવ કરી શકતો. નગરના નાગરિકો અને મુલાકાતે આવનારાઓ પણ પ્રસન્નતાની અનુભૂતિ કરતા હતા.
આવા નગરના રાજા વીરસેન વાસ્તવમાં વીરસેન હતા. એમની વીરતાની વાતો દેશવિદેશમાં ફેલાયેલી હતી. પરિણામે એ નગરમાં ગુનાખોરીનું પ્રમાણ નહીંવત્ થઈ ગયું હતું. રાજાનો ડર જ એવો હતો કે કોઈ પણ માણસ ગુનો કરતાં પહેલાં વિચાર કરે.
એમનો એક દીકરો હતો. ચિત્રસેનકુમાર. એકદમ રૂડો અને રૂપાળો. એ નગરમાં ટહેલવા માટે પણ નીકળે તો લોકો એને જોયા જ કરે. એકીટશે નિરખ્યા જ કરે. અરે, નિરખ્યા કરે એનો પણ વાંધો નહીં, પણ વાંધો તો એ આવે કે જોનારા પોતાના કામને પણ વીસરી જાય, બધું છોડીને એને જોવા લાગતા.
આવા કારણે નગરનો વહેવાર ખોરવાઈ જતો. પણ આ તો રાજકુમાર, એને કહેવા પણ કોણ જાય? છેવટે બધા ભેગા થયા ને સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવ્યો કે આપણે બધાએ ભેગા થઈને રાજા પાસે જવાનું. આપણે એમને વિનંતી કરવાની કે આવું થાય એ ચાલે નહીં. આનો કોઈ રસ્તો- કોઈ ઉપાય આપ વિચારીને જણાવો. નગરના અમારા વ્યવહારના તંત્રમાં કોઈ જાતનો વિક્ષેપ પડવો જોઈએ નહીં. અમારા ઉપર આટલી દયા કરો.
રાજા વીરસેને નગરજનોને પૂછ્યું. ભાઈઓ, તમે મોઘમ મોઘમ વાત કરો છો એમાં મને કોઈ વાત સમજમાં આવતી નથી. તમારી તકલીફ એ અલગ વાત બને છે, પણ મારા શાસનમાં પ્રજાજનોને એક પણ વિષયમાં જરા સરખી પણ તકલીફ હોય એને દૂર કરવા આ તમારો રાજા સતત સજાગ જ છે. તમે નિશ્ચિંત બનીને તમારી વાત જણાવો.
નગરશેઠે રાજાની સામે આખી ઘટના રજૂ કરી દીધી. અમારી આ તકલીફ છે. રાજકુમાર નગરમાં આવે એમની સ્વેચ્છાએ ફરે એનો અમને કોઈ વાંધો નથી, પણ નગરની નારીઓ એમનાં દર્શનમાં પાગલ બને તો તંત્ર અવ્યવસ્થિત બને એ યોગ્ય તો ન જ ગણાય. આપ એનો યોગ્ય માર્ગ બતાવો. બધાંનાં દિમાગમાં આખી વાત આવી ગઈ અને એનો માર્ગ શું કરવો એ પણ.
જોકે, રાજાને એક ક્ષણ માટે એવો પણ વિચાર આવ્યો કે રાજકુમારનો આમાં શો દોષ? નગરનાં નરનારીઓ એને જોવામાં ઘેલાં બને એમાં એ શું કરે? હા, રાજકુમાર નગરજનોને ઉશ્કેરતો હોય તો આપણે એને વાત કરી શકીએ. આટલી વાતમાં આપણે એને તો કેવી રીતે કંઈ પણ કહી શકાય!?
આનો ઉપાય તો બીજો એ થાય કે રાજકુમારને ઘરમાં જ કેદ થઈને રહેવાનું. રાજકુમારને આવી શિક્ષા કેવી રીતે કરી શકાય? અને એ શું શક્ય પણ છે? કોઈ પણ માણસ, ભલેને એને તમે બધી સગવડ આપો પણ એને કમરામાંથી બહાર જ નીકળવાનું નહીં. તો ચાલે?
તો પછી બીજો વિકલ્પ તો એ છે કે એને દેશનિકાલ કરવો. આ પ્રદેશ છોડીને ગમે ત્યાં ચાલી જાય! આપણે કેટલું શક્ય છે? મારે મારા દીકરાને એને કોઈ પણ જાતની ભૂલ વગર પરદેશ રવાના કરવાનો. મારા દીકરાને શા માટે મારી નજરબહાર રાખવાનો?
હવે હક અને ફરજનો ઝઘડો ચાલુ થઈ ગયો. મગજ અને હૃદયનો ઝઘડો, કર્તવ્ય અને લાગણીનો ઝઘડો. લાગણી કહેઃ મારા દીકરાની ભૂલ શું? અને કર્તવ્ય કહે પ્રજાની પીડા દૂર કરવી એ રાજાની ફરજ છે. લાગણી કહેવાની કોઈ પણ જાતના કસૂર વગર મારે મારા દીકરાને દૂર કરવાનો? હંમેશાં બનતું આવ્યું છે લાગણીની સામે કર્તવ્યની જ જીત થાય છે. હૃદયના ભાગે હંમેશાં જતું કરવાનું જ આવે છે. હક હંમેશાં છોડવામાં માને છે ફરજની પાબંધી હંમેશાં મજબૂત હોય છે. એ કોઈ બાબતમાં ઢીલ ન છોડે.
રાજા વીરસેને પોતાના વહાલા પુત્રને વહાલથી પોતાની પાસે બોલાવ્યો. બેસાડ્યો અને ખબરઅંતર પૂછ્યા. પછી એમણે રાજકુમારને કહ્યું: સાચો મરદ તો એને કહેવાય કે જે પોતાના આધારે જીવતો હોય પિતાના સામ્રાજ્યને ભોગવવાવાળા તો જગતમાં ઘણાં હોય છે, પણ એની કિંમત નથી હોતી. પોતાના પરાક્રમથી ભલેને થોડું કે નાનું મળે, પણ એની કિંમત હોય છે, કારણ કે એ એનું પોતાનું હોય છે.
રાજકુમાર ચિત્રસેનના મગજમાં આ વાત બરાબર બેસી ગઈ. મારે આપકમાઈથી જીવવું, બાપકમાઈની મારે શું જરૂર? એ તો બીજા જ દિવસે ઘરમાંથી નીકળી ગયો. માતાપિતાની આજ્ઞા લીધી. પિતાએ પોતાના હૃદય ઉપર પથ્થર મૂકીને રજા તો આપી, પણ એમની આંખમાંથી અશ્રુનું એક મોટું બિંદુ તો પડી જ ગયું. માતા તો સાવ સ્તબ્ધ બની ગઈ. અચાનક આ શું બની ગયું? પિતા-પુત્રની વાતની માતાને કોઈ જાણકારી જ નથી. તો એની પાસે બોલવાના કોઈ શબ્દો જ ન હતા. વહાલથી પુત્રના માથા ઉપર હાથ ફેરવીને એ બોલી, `શરીર સાચવજે અને આનંદમાં રહેજે,’ સમાચાર મોકલજે.
ચિત્રસેન રવાના થયો છે. કોઈ દિશા નક્કી નથી. જવું છે એ નક્કી છે, પણ ક્યાં જવું છે એ નક્કી નથી. ભાગ્ય અને પગ લઈ જાય ત્યાં જવાનું છે.
`રાજકુમાર પરદેશ જઈ રહ્યા છે.’ આ સમાચાર મંત્રીપુત્ર રત્નસારને મળ્યા. બંને અભિન્ન મિત્રો છે. રત્નસારે નક્કી કરેલું હતું કે `રાજકુમાર જ્યાં પણ જાય મારે એમની સાથે જ જવાનું.’
જલદીથી એ રાજકુમારની સાથે થઈ ગયો. બંને મિત્રો જંગલની શોભા જોતાં જોતાં આગળ વધી રહ્યા છે. નાનાં ગામડાં હોય કે મોટાં ગામ હોય. નગર મહાનગર દરેક સ્થાનોને જોતાં જોતાં ને અલગ અલગ કૌતુકોને જોઈને આનંદ પ્રમોદપૂર્વક આગળ વધી રહ્યા છે. એમ કરતા એક દિવસ એમાં દૃષ્ટિપથમાં એક આદિનાથ દાદાનું જિનાલય આવ્યું.
બેય મિત્રો જિનાલયમાં ગયા. ભગવાનનાં દર્શન કર્યાં. ભાવથી ભક્તિ કરી. ઝીણી ઝીણી કોતરણી તથા વિશાળ અને ભવ્ય જિનાલય જોયા પછી એના નિર્માણ કરાવવાવાળા શ્રેષ્ઠી અને સ્થપતિઓની ભાવથી અનુમોદના કરી રહ્યા છે. પોતાની લક્ષ્મીનો સાચા અર્થમાં સદુપયોગ કર્યો છે. આવું સરસ જિનાલય! વાહ કેવું સરસ! અદ્ભુત! આવા ઉદ્ગારો એમના મુખમાંથી નીકળી રહ્યા છે. નિરીક્ષણ કરતાં કરતાં એક થાંભલા પાસે આવીને પગ અટક્યા.
રાજકુમાર થાંભલાની કોતરણી જુએ છે. એના ઘાટ અને ઘડાઈ જોઈ પ્રસન્ન થઈ ગયા. એના ઉપરના ભાગમાં પૂતળીઓ બનાવેલી હતી. રાજકુમાર તો એને જોયા જ કરે છે. રત્નસાર કહે છે ચાલો, હવે આગળ હજુ તો ઘણું બધું જોવાનું બાકી છે, પણ એ તો ત્યાં જ સ્થિર થઈ ગયો છે. બોલ્યા ચાલ્યા વગર – પેલો બોલાવે છે, પણ એનો કોઈ જવાબ જ નહીં. રત્નસાર પણ કંટાળી ગયો, પણ આ તો ખસવાનું નામ જ લેતા નથી.
એટલામાં ત્યાં એક જ્ઞાની ગુરુ ભગવંત આવ્યા. ભગવાનની ભક્તિ કરીને પાછા જઈ રહ્યા હતા. રાજકુમાર ચિત્રસેન એમની પાસે ગયા. વંદન કરીને પૂછ્યું, ભગવન! આ પૂતળી કોઈ વ્યક્તિના આશ્રયીને બનાવેલી હશે કે પછી એમ જ-કલાકારની કલ્પનામાત્ર હશે?
ગુરુ ભગવંતે એ પૂતળીની સામે નજર કરી અને પછી રાજકુમારની સામે નજર નોંધીને જવાબ આપ્યો તમે જે પૂતળીની વાત કરો છો એ કન્યા જીવિત છે આપને એનાં સાક્ષાત્ દર્શન કરવાની ઇચ્છા હોય તો કરી શકો એમ છો. આ વાત સાંભળીને રત્નસાર તો અત્યંત પ્રસન્ન થઈ ગયો. એણે તો વિચારેલું કે આ તો કલાકારે બનાવેલી કૃતિ હશે, પણ જ્યારે ગુરુદેવના મુખથી સાંભળ્યું કે આ કન્યા જીવંત છે અને એનાં દર્શન કરવાં હોય તો કરી શકાય એમ છે. એના આનંદનો કોઈ પાર નથી, કારણ કે આ કન્યા એને અત્યંત ગમી ગયેલી હતી. હવે એ એનાં દર્શન કર્યા વગર રહી શકે એમ ન હતો.
ગુરુદેવની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એનાં મૂળમાંથી અચાનક શબ્દો નીકળી ગયા.
`ભગવન્, આપ સાચું કહો છો? કે મને રાજી કરવા માટે આપ આ રીતની વાત કરો છો?
ગુરુ ભગવંત કહે છે, અમારે કોઈને રાજી કરવા માટે શું અસત્ય ભાષણ કરવાનું હોય? અને જે સાચું જણાતું હોય એ જ અમે કહેવાના. બીજું કહેવાનો અમારો કોઈ અધિકાર નથી.
તો પછી આપ જણાવો કે આ કન્યા ક્યાંની છે અને કોની દીકરી છે? એનાં માતા-પિતા વગેરે મને જણાવો તો મારા મનને શાંતિ થાય.
તમારી આટલી બધી ઉત્કંઠા છે તો સાંભળો. અહીંથી ઉત્તર દિશામાં પદ્મપુર નામનું નગર છે અને ત્યાં પદ્મરથ નામના રાજા છે એમને પદ્મશ્રી નામની રાણી છે એમની આ પદ્માવતી નામની દીકરી છે.
આ સાંભળ્યા પછી રાજકુમાર તો ગાંડો બની ગયો. ગુરુ ભગવંતને વારંવાર પ્રણામ કરીને કહી રહ્યો છે આપે મારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે, હું ક્યારેય પણ ભૂલીશ નહીં. ગુરુ ભગવંત આગળ કહે છે. આ કન્યાની વાત સાંભળીને તને આટલો બધો આનંદ થાય છે એનું કારણ શું? એ ખબર છે?
ના, ભગવંત આપ જણાવો.