- 7 અધિકારીઓને અપાઈ હતી શો-કોઝ નોટિસ
- IR વિભાગે તપાસ પૂર્ણ કરી ફાઈલ સોંપી મ્યુ.કમિશનરને
- કમિશનરના વિદેશ પ્રવાસ બાદ લેવાઈ શકે છે પગલાં
અમદાવાદ ફાયર વિભાગમાં ખોટા લેટર રજૂ કરી નોકરી મેળવ્યા હોવાનો મુદ્દો થોડાક સમય પહેલા ગાજ્યો હતો તેને લઈ મ્યુ.કમિશનરે 7 અધિકારીઓને નોટીસ આપી હતી,જેમાં અધિકારીઓએ પોતાના જવાબ રજૂ કર્યા છે.અગાઉ કમિશનરે તમામ સામે ફરિયાદ દાખલ કરવા ઉચ્ચારી હતી ચિમકી.હવે આ તમામ સામે આકરા પગલાં લેવાય છે કે તપાસ પર ઠંડુ પાણી રેડાય છે તેના પર સૌની નજર છે.
અધિકારીઓને અપાઈ હતી નોટીસ
કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંચાલિત ફાયરની ટ્રેનિંગ માટે નાગપુરની પ્રતિષ્ઠિત નેશનલ ફાયર સર્વિસ કોલેજ (NFSC)ની ફરિયાદના આધારે નાગપુર પોલીસ તાજેતરમાં અમદાવાદ આવી અમદાવાદ ફાયર વિભાગમાં કાર્યરત કેટલાક અધિકારીઓના ડૉક્યુમેન્ટ અને સર્ટિફિકેટ મેળવી કરેલી તપાસમાં કેટલાક અધિકારીઓએ બોગસ સ્પોન્સરશિપના આધારે નાગપુર કોલેજમાં પ્રવેશ મેળવી ટ્રેનિંગ લીધા બાદ ગુજરાતની અલગ અલગ ફાયર સર્વિસમાં ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું હતુ.ઓમ જાડેજા , અભિજિત ગઢવી , અનિરુદ્ધ ગઢવી ઇનાયત શેખ કૈઝાદ દસ્તુર સહિતના અધિકારીઓને અપાઈ હતી શો કોઝ નોટિસ.
શું હતો કેસ
18 ઓક્ટોબરે NFSCના ડાયરેક્ટરે મનકાપુર પોલીસ સ્ટેશન નાગપુરમાં ખોટા પુરાવા રજૂ કરી કોલેજમાં પ્રવેશ મેળવેલ ઉમેદારો વિરૂદ્ધ ફરિયાદ લખાવી હતી. જેના અનુસંધાને આઈપીસી 456, 467, 468, 471, 34 કલમ અંતર્ગત તપાસ શરૂ થઈ હતી. વર્ષ 2014-15 પછી દેશભરમાં આવા બે હજારથી વધુ ઉમેદવારોએ ખાનગી કંપની તેમજ સરકારી સંસ્થામાંથી ખોટી સ્પોન્સરશિપના આધારે નાગપુર ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોવાનો અંદાજ છે. જેમાં પ્રથમ દૃષ્ટિએ ગુજરાતની વિવિધ ફાયર સર્વિસના પણ 20થી વધુ અધિકારીઓના નામ સામે આવ્યા છે.
સત્તાનો દૂરઉપયોગ કરી ટ્રેનિંગ અપાવી
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરની ફાયર સર્વિસમાં વિવિધ તબક્કે નોકરી કરીને બઢતી મેળવી હોય એવા સંખ્યાબંધ અધિકારીઓ છે અને હાલ સબ ઓફિસર, સ્ટેશન ઓફિસર તથા ઉચ્ચ અધિકારી તરીકેનો મહત્વનો હોદ્દો ભોગવી રહ્યાં છે. તેમની વિરૂદ્ધ સરકારે તપાસ કરવાની જરૂર છે. કેટલાક ઉમેદવારોના પિતા કે અન્ય સગા સંબંધી જે તે ફાયર સર્વિસમાં ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત હતા અથવા નિયુક્ત છે તેમણે પોતાની સત્તાનો દૂરઉપયોગ કરી ટ્રેનિંગ અપાવી છે.


