- કોર્ટે 15 દિવસમાં માતાનું ઘર ખાલી કરવા આદેશ કર્યો
- પિતાના અવસાન પછી પુત્ર અને પુત્રવધૂનો વ્યવહાર બદલાયો; માતાને ઘર ખાલી કરવા કહ્યું હતું
- સંયુક્ત પરિવાર પદ્ધતિ બાબતે બોમ્બે હાઈકોર્ટે ટિપ્પણી કરી છે
સંયુક્ત પરિવાર પદ્ધતિ બાબતે બોમ્બે હાઈકોર્ટે ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, સંયુક્ત પરિવાર પદ્ધતિ ખતમ થવાના કારણે સમાજમાં વૃદ્ધોની સંભાળ નથી રખાતી. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં એક વ્યક્તિ માતાએ બનાવેલા મકાનના કબજા માટેના કેસમાં કોર્ટે ચડયો હતો. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે વ્યક્તિને માતાનું ઘર ખાલી કરી દેવાનો આદેશ કર્યો છે, જેના પર તેણે અને તેની પત્નીએ ગેરકાયદે કબજો કર્યો હતો. બે જજોની બેચે કહ્યું કે હાલના સમયમાં ઉંમર વધવી એક મોટો સામાજિક પડકાર બની ગઈ છે. વરિષ્ઠ નાગરિકોની સંભાળ અને સુરક્ષા પર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે સંયુક્ત પરિવાર પદ્ધતિનું પતન થવાના કારણે ઘણા વૃદ્ધ વ્યક્તિઓ જીવનનાં અંતમાં વરસો એકલા વિતાવવા મજબૂર થઈ રહ્યા છે. શારીરિક અને નાણાકીય સહાયતા ઘટી હોવાના કારણે બુઝુર્ગ ભાવનાત્મક ઉપેક્ષાનો શિકાર બની રહ્યા છે. વૃદ્ધ મહિલાના પુત્ર દ્વારા દાખલ કરાયેલી અરજીને બોમ્બે હાઈ કોર્ર્ટે રદ કરી દીધી.
દીકરાએ માતાને ઘર છોડવા મજબૂર કર્યાં
સિનિયર સિટિઝન્સ મેન્ટેનન્સ ટ્રિબ્યૂનલના અધ્યક્ષના સપ્ટેમ્બર 2021ના આદેશ વિરુદ્ધ દિનેશ ચંદનશિવે દ્વારા દાખલ કરાયેલી અરજી પર કોર્ટે આ આદેશ આપ્યો હતો, જેમાં તેણે પોતાનાં વૃદ્ધ માતા લક્ષ્મી ચંદનશિવેને ઘર ખાલી કરવાનું કહ્યું હતું. વૃદ્ધ મહિલા લક્ષ્મી ચંદનશિવે અનુસાર, 2015માં તેમના પતિનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ પુત્ર અને તેની પત્ની તેને મળવા આવેલાં. સમયની સાથે બંનેના વ્યવહારમાં પરિવર્તન આવવા લાગ્યું. ઉત્પીડન બાદ વૃદ્ધ મહિલાએ ઘર છોડી દીધું હતું. ત્યાર બાદ મહિલા મોટા પુત્ર સાથે મહારાષ્ટ્રના ઠાણેમાં રહેવા લાગ્યાં હતાં.


