- નિયમિત રીતે હળવી કસરત કરવી
- હીટિંગ પેડ, ગરમ પાણીની બોટલ કે ગરમ ટુવાલનો કરો ઉપયોગ
- વોકિંગ કે સામાન્ય યોગા પણ રહેશે લાભદાયી
શિયાળાની ગુલાબી ઠંડીથી લઈને હાડ થીજાવતી ઠંડીમાં સાંધાના દુઃખાવવાની સમસ્યા સહજ રીતે વધી જાય છે. જોઈન્ટ પેઈન એટલે કે તમામ સાંધામાં દુઃખાવવાની શરૂઆત થાય છે. શરીરમાં આ દર્દ સહન કરવાનું પણ મુશ્કેલ બની જાય છે. એવામાં વધારે સમસ્યા ન રહે તે માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખી લેવાની જરૂર છે. જો તમે આ ઘરેલૂ નુસખાને અપનાવી લેશો તો તમે જલ્દી જ રાહત મેળવી શકશો. તો જાણો શું કરશો.
શરીરને ગરમ રાખો
શરીરને ગરમ રાખીને તમે ગઠિયાના દર્દથી રાહત મેળવી શકો છો. ગરમ કપડા પહેરો. કપડા વધારે ટાઈટ ન હોય તેનું ધ્યાન રાખો. ટાઈટ કપડાના કારણે બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થઈ શકે છે અને મુશ્કેલીઓ ઘટવાને બદલે વધવા લાગે છે.
હીટ પેડનો કરો ઉપયોગ
આજકાલ માર્કેટમાં અનેક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ મળી રહ્યા છે જેનાથી સાંધાના દર્દનો શેક સરળતાથી કરી શકાય છે. તેનાથી જલ્દી આરામ મળે છે. તમે ઈચ્છો તો હીટિંગ પેડ, ગરમ પાણીની બોટલ કે ગરમ ટુવાલનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી સાંધાનું દર્દ ઘટશે અને સાથે બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે. મસાજરથી માલિશ કરવાથી આરામ મળી શકે છે.
સામાન્ય કસરત કરો
સાંધાના દર્દથી રાહત મેળવવા માટે નિયમિત રીતે કસરત કરવી. આ હળવી કસરત હોય તો પણ ચાલે. તમે વોકિંગ કે યોગાની મદદથી પણ રાહત મેળવી શકો છો. એક વાતનું ધ્યાન રાખો કે સાંધાના દર્દમાં વધારે મુશ્કેલ કસરત કરવાનું ટાળવું.
પોતાને એક્ટિવ રાખો
જ્યારે શરીર ઓછું એક્ટિવ રહે છે તો જોઈન્ટ જકડાઈ જાય છે. આ માટે શરીરને સમયાંતરે સ્ટ્રેચ કરતા રહો. સામાન્ય વોક કરવાથી પણ આરામ મળી શકે છે. ડેઈલી રૂટિનનું કામ જાતે કરવાથી પણ ફાયદો મળી શકે છે.
સાંધાને સપોર્ટ કરો
સાંધા અનેક વાર એટલા અકડાઈ જાય છે કે અચાનક વળી જાય છે અથવા વળે નહીં તેવું પણ બને છે. એવામાં તેને સપોર્ટ આપવા માટે બ્રેસિઝ, સ્પિ્લન્ટ્સ કે સપોર્ટસની મદદ લઈ શકાય છે. આ કરવાથી સાંધાને સપોર્ટ મળશે અને તે રીલેક્સ પણ થશે.
વજન કંટ્રોલ કરો
વધારે વજન સાંધાને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. વજન જેટલું વધારે હશે, જોઈન્ટ પર દબાણ પણ વધારે આવે છે. એવામાં સંતુલિત આહાર જ કરો અને કોશિશ કરો કે વજન ઓછું રહે.
હેલ્ધી ડાયટ લો
આહારમાં કેટલાક ફેરફાર કરો. તમે જોઈન્ટ પેઈનથી બચી શકો છો. તેનાથી સોજાથી પણ રાહત મળી શકે છે. ભોજનમાં ડ્રાય ફ્રૂટ્સ, લીલા પાનના શાક, તાજા ફળનો ઉપયોગ કરો. ઓમેગા-3 ફેટી એસિડ, ગ્લોકોસામાઈન અને હળદરને પણ નિયમિત રીતે ડાયટમાં સામેલ કરો. તેની સાથે પાણી પીવાનું ભૂલશો નહીં. શક્ય તેટલું વધારે લિક્વિડ લેવું.