વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેની ઘાતક બોલિંગ અને બેટિંગ બંને માટે ઓળખાય છે. પરંતુ ઈંગ્લેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ જાણે સાવ પાણીમાં બેસી ગયા હોય એવું લાગી રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝને ODI શ્રેણીમાં 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમે વેસ્ટ ઈન્ડિઝને વધુ એક ઝટકો આપ્યો છે.
બટલર સદી ચૂક્યા પણ મેચ જીત્યા
ધમાકેદાર બેટ્સમેન જોસ બટલરની તોફાની બેટિંગ સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઘૂંટણીયે પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામે જોસ બટલર માત્ર 4 રનથી સદી ફટકારવાનું ચૂકી ગયા હતા. ચેસ્ટર લી સ્ટ્રીટ ખાતે રમાઈ રહેલ પ્રથમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 21 રનથી ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. પ્રથમ ટી20 મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બટલરે આ મેચમાં 59 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી તોફાની 96 રન ફટકાર્યા હતા. બટલર તેની સદી પૂરી કરવાથી માત્ર 4 રનથી દૂર હતા અને જોસેફનો શિકાર બની ગયા.
લિયામ ડોસને વેસ્ટ ઈન્ડિઝના લીરા ઉડાવ્યા
એકબાજુ બટલરની બેટિંગથી વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ પરેશાન હતા, એમાં વધુમાં લિયાન ડોસને પણ વેસ્ટ ઈન્ડિઝને મુશ્કેલીમાં મૂકવામાં કઈ બાકીના રાખ્યું. 189 રનના સ્કોરનો પીછો કરતી વખતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે ચોક્કસથી એક સારી શરૂઆત કરી હતી, પરંતુ પછીથી ટીમ એકદમ કમજોર અવસ્થામાં આવી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. ઇંગ્લેન્ડના ઘાતક બોલર લિયામ ડોસનની સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. લિયામ ડોસને તેમની શાનદાર બોલિંગથી 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 4 વિકેટ ચટકાવી અને ઈંગ્લેન્ડને શાનદાર જીત અપાવી.
વેસ્ટ ઇન્ડિઝનું અસ્થિર પ્રદર્શન
જે તે સમયે વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે અન્ય કોઈપણ દેશની ટીમ રમતા પહેલા ચોક્કસથી ઘબરાતી. ક્રિકેટ જગતમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમનો દબદબો કઈક અલગ હતો. હાલ પણ વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે, પરંતુ ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝનું જે રીતનું પ્રદર્શન સામે આવ્યું છે, તે ખુબજ નિરાશાજનક રહ્યું છે. ઈંગ્લેન્ડ સામે 3-0થી વેસ્ટ ઈન્ડિઝ આ શ્રેણી હારી ગયું હતું.