– ચૂંટણીનો માહોલ, બોન્ડ માર્કેટનો વિસ્તાર અને નોમિનલ જીડીપી દેશના વિકાસને નવી ઉંચાઈએ પહોંચાડશે
Updated: Oct 28th, 2023
મુંબઈ : ભારતના નક્કર આર્થિક વૃદ્ધિપથ પર વધુ એક વખત વિશ્વાસ વ્યકત કરતા રેટિંગ એજન્સીનું અપગ્રેડ મળ્યું છે. જેપી મોર્ગને ભારતનું રેટિંગ અપગ્રેડ કરીને ‘ઓવરવેઈટ’ કર્યું છે. અગાઉ મોર્ગન સ્ટેનલી, સીએલએસએ અને નોમુરા જેવા અગ્રણી વૈશ્વિક બ્રોકરેજોએ પણ ભારતનું રેટિંગ અપગ્રેડ કર્યું હતુ.
જેપી મોર્ગને રેટિંગ અપગ્રેડ કરવા પાછળના ઘણા પરિબળોને ટાંક્યા છે, જેમાં જનરલ ઈલેક્શન સંબંધિત હકારાત્મક મોસમ, ઉભરતાં બજારોની નોમિનલ જીડીપીમાં મજબૂત વૃદ્ધિ અને વધુ વ્યાપક બોન્ડ માર્કેટનો વિકાસ સામેલ છે. તદુપરાંત આ પરિબળોને કારણે રિસ્ક પ્રીમિયમમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
જેપી મોર્ગનનું માનવું છે કે અમેરિકામાં લાંબા ગાળાના વ્યાજદરો વધતા અને ડોલરની મજબૂતાઈ વૃદ્ધિ ઈમર્જિંગ માર્કેટની ઇક્વિટી માટે પડકાર બની રહી છે અને સાથે-સાથે વ્યાજદરમાં વધારો અને વિકાસદરમાં ઘટાડો પણ પરિણામે છે. અમેરિકામાં આથક મંદી અટકે અને ઓસરે તથા વ્યાજદરમાં વધારાની સાયકલ પૂર્ણ થાય પછી જ ઈમર્જિંગ માર્કેટ માટે સ્થાયી સકારાત્મક માહોલ બની શકે છે.
જેપી મોર્ગન બ્રોકરેજ હાઉસે તેના ઇમર્જિંગ માર્કેટ્સ મોડલ પોર્ટફોલિયોમાં સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, બેંક ઓફ બરોડા અને હિન્દુસ્તાન યુનિલિવરનો સમાવેશ કર્યો છે.
અગાઉ મોર્ગન સ્ટેનલીએ આર્થિક અને આવક વૃદ્ધિમાં સુધારાને કારણે ભારતનું રેટિંગ ઓવરવેઇટમાં અપગ્રેડ કર્યું હતું. સીએલએસએએ તેના ભારત પોર્ટફોલિયો અલોકેશનમાં ૨૦ ટકાનો વધારો કર્યો હતો. નોમુરાએ મજબૂત સકારાત્મક માહોલ અને ચાઇના+૧ ટ્રેન્ડથી સંભવિત લાભોને ટાંકીને સપ્ટેમ્બરમાં ભારતનું રેટિંગ ઓવરવેઇટમાં અપગ્રેડ કર્યુંં હતું.