એકમાત્ર કારણ કે જેના લીધે તમે તમારા જીવનમાં ઘટિત થતી દરેક પરિસ્થિતિમાં પોતાને સામેલ નથી કરી શકતા અને તેમાં ઝંપલાવી નથી શકતા, તે એ છે કે તમે એટલી ગહનતાથી ઓળખ બનાવી લીધી છે કે તમે એક નિહિત સ્વાર્થ જેવા બની ગયા છો. તમારું સામેલ થવું તમે શું અને કોણ છો તેની સામે પ્રશ્નો ઊભા કરે છે અને તેની સામે ખતરો ઊભો કરે છે.
એટલે જ્યારે કોઈ પરિસ્થિતિ તમારી ઈચ્છા અનુસારની નથી, તો તમારી ઓળખ ખતરામાં પડી જાય છે; એ તમારા માટે ઘણી જ અસુરક્ષિત અને ભયાવહ સ્થિતિ બની જાય છે. એકવાર જ્યારે તમે આ અનુભવમાંથી પસાર થાવ, તો તમારી સામેલ થવાની આખી ભાવના ઘટી જશે, તમે નબળા પડી જાવ છો, જીવન સાથે ભાગીદારી ઓછી થઈ જાય છે. તમે વાસ્તવમાં પોતાને જીવન સાથે ત્યારે જ સામેલ કરી શકો છો જ્યારે તમે તેની સાથે ઓળખ ન બનાવી હોય. આ વાત બંને વસ્તુઓને લાગુ પડે છે, તમારા વિચારો અને જે પરિસ્થિતિઓમાં આપણે રહીએ છીએ.
તાર્કિક રીતે જોતાં, કોઈ વસ્તુ સાથે પોતાની ઓળખ ન બનાવવી એવું લાગે છે જાણે તમે અને તમે જે કરી રહ્યા છો તેની વચ્ચે એક અંતર છે, પણ ઓળખ ન હોવાનો અર્થ ભાગીદારીનો અભાવ હોય એવું જરૂરી નથી. વાસ્તવમાં જ્યારે તમારી કોઈ વસ્તુ સાથે ઓળખ નથી હોતી, ત્યારે તમે જાગરૂકતાથી પોતાને સામેલ કરી શકો છો. એકવાર જ્યારે તમે પોતાને સામેલ કરવાની પસંદગી કરી લો છો, તો તમે પોતાને પૂરી રીતે સામેલ કરી શકો છો; તમે બસ તેમાં ઝંપલાવી શકો છો.
ઉદાહરણ તરીકે, માની લો કે તમારા કોઈ પ્રિયજન સાથે કંઇ થયું હોય, જો તમે ઓળખ ન બનાવી હોય, તો તમે તમારી સર્વોત્તમ ક્ષમતાથી બધી વસ્તુઓ કરશો. તમારો પ્રેમ અને સ્નેહ બસ એટલા માટે ખતમ નથી થઈ જતો કે તમારી ઓળખ તેમની સાથે નથી, પણ જો તમે એ સ્થિતિ સાથે તમારી ઓળખ બનાવી રાખી હશે તો તમે ઊંઘશો નહિ, ભોજન નહિ લો કે એવી વસ્તુઓ નહિ કરો જે તમે યોગ્ય રીતે કરી શક્યા હોત. તો જો એવી કોઈ પરિસ્થિતિ હોય જેમાં તમારી આસપાસના લોકો સાથે કંઇ ખરાબ થયું હોય અને તેમને તમારી જરૂર છે, તો સૌથી સારી રીત કઈ છે, પોતાની બધી આવડત અને ક્ષમતાઓને યથાવત્ રાખવી કે તેમને ગુમાવી દેવી?
વાત બસ એટલી જ છે કે બધા નાસમજુ લોકોએ તમને હંમેશાંથી એ વાત ઠસાવી દીધી છે કે જો તમારું કોઈ પ્રિયજન કે નજીકની વ્યક્તિ બીમાર છે કે ગુજરી ગઈ છે, તો તમારે પણ દુ:ખી બનીને અસહાય થઈ જવું જોઈએ નહિતર તમે તેમને પ્રેમ નથી કરતા. આ સાચું નથી. પ્રેમનો અર્થ અસક્ષમતા નથી. જો તમે ભાંગી પડ્યા છો, તો બસ એટલા માટે કે તમે ઓળખ બનાવી છે, એટલા માટે નહિ કે તમે તેમાં સામેલ છો. પ્રેમ એક ક્ષમતા છે, પ્રેમ એક ભાગીદારી છે, પ્રેમ એક પ્રતિબદ્ધતા છે.