- જૂનાગઢ કોર્ટે ગણેશ જાડેજા સહિતના આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા હતા
- કાયદા વિભાગના સચિવને કરાઈ રિવિઝન અરજી
- મંજૂરી આવવાની જોવાઈ રહી છે રાહ
જૂનાગઢમાં અનુસુચિત જાતિના યુવકને માર મારવાના કેસમાં ગણેશ જાડેજાના રિમાન્ડ માટે પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાનો ઉલ્લેખ કરાયા છે.આરોપીઓની કોલ હિસ્ટ્રીથી ઘટનાક્રમ સમયે હાજરી હોવાની સાબિતી છે.ઘટના સમયે તમામ આરોપીઓ એકબીજાના સંપર્કમાં હતા.આરોપીઓને જામીન મળે તો પુરાવાનો નાશ કરે તેવી સંભાવના પોલીસે વ્યકત કરી હતી.
જૂનાગઢ કોર્ટ હવે 25 જૂને જામીન મામલે હુકમ કરશે
જૂનાગઢ પોલીસે ગુનો નોંધ્યા બાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓએ જામીન પર મુક્ત થવા જામીન અરજી કરતા જૂનાગઢ સેશન્સ કોર્ટમાં બને પક્ષના વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી. ગઈકાલે બંને પક્ષ તરફથી દલીલો પૂર્ણ થઈ હતી.
પોલીસે ચાર્જશીટ નથી કરી
જુનાગઢ સેશન્સ કોર્ટમાં ગણેશ જાડેજાના કેસ મામલે જામીન અરજી માટેની સુનાવણી ગઈરાલે રાખવામાં આવી હતી. જે મામલે ફરિયાદીના વકીલ તરીકે કોર્ટમાં આરોપીઓને જામીન ન મળે તે માટે વાંધા કારણો રજૂ કરવામાં આવ્યા હતા.જેને લઇ જુનાગઢ નામદાર કોર્ટ દ્વારા બંને પક્ષને સાંભળવામાં આવ્યા હતા ત્યારે ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓની જામીન અરજી મામલે આગામી તારીખ 25 જૂને સુનાવણી રાખવામાં આવી છે.જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ જાડેજાના કેસ મામલે તપાસ ગતિમાન છે.અને આ કેસ મામલે ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવી નથી.
શું હતો સમગ્ર મામલો
જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકી સાથે 30 મેંની રાત્રે જૂનાગઢના દાતાર રોડ પર ગણેશ જાડેજા અને તેની ટોળકીના સભ્યોએ વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ કરી હતી. ત્યારબાદ સંજયનું અપહરણ કરી ગોંડલ લઈ જવાયો હતો જ્યાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને નગ્ન કરી વીડિયો બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓ સંજય સોલંકીને ફરી જૂનાગઢ ઉતારીને નાસી છૂટ્યા હતા. આ મામલે ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.


