જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી
સરકારીમાં જ કાર્ડના આગ્રહથી મહિલા દર્દી પાંચ દિવસ કણસતા રહ્યા : સત્તાધીશોની મનમાની સામે દર્દીઓમાં ભારે રોષ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. આ વખતે એક તરફ ગરીબ મહિલાને આયુષ્માન કાર્ડ ન હોવાના કારણે ઓપરેશનથી રાખવામાં આવી તો બીજી તરફ સિનિયર ડોક્ટરો સવારે હાજરી પૂરીને ખાનગી પ્રેક્ટિસમાં રફુચક્કર થઈ જતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે ડોક્ટરોની મનમાની અને અનિયમિતતા સામે હવે ખુદ હોસ્પિટલના જ ડોક્ટરોએ અવાજ ઉઠાવ્યો છે.
દર્દી શાંતિબેને જણાવ્યું હતું કે, “હું પડી ગઈ હોવાથી મારા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. ઓપરેશન કરાવવા માટે હું આશા સાથે સિવિલ હોસ્પિટલ આવી હતી. શનિવારે મારો કેસ કાઢવામાં આવ્યો અને મને ખાતરી અપાઈ કે દાખલ કરી દેવામાં આવશે. બે દિવસ સુધી મને હોસ્પિટલમાં રાખવામાં આવી અને કહેવાયું કે બુધવારે ઓપરેશન થશે પરંતુ, જ્યારે બુધવારે હું ઓપરેશન માટે તૈયાર થઈ ત્યારે હોસ્પિટલના સ્ટાફે મને સ્પષ્ટ કહી દીધું કે ‘તમારું આયુષ્માન કાર્ડ લઈ આવો તો જ ઓપરેશન થશે’.
મારી પાસે કાર્ડ નહોતું, એટલે જ તો હું સરકારી હોસ્પિટલમાં આવી હતી! જો મારી પાસે કાર્ડ કે પૈસા હોત તો મારે અહીં ધક્કા ખાવાની જરૂર જ શું હતી ? ઓપરેશન જેવી કટોકટીની સ્થિતિમાં પણ હોસ્પિટલ તંત્રએ સંવેદના બતાવવાને બદલે માત્ર કાગળ અને કાર્ડનો આગ્રહ રાખ્યો હતો. પાંચ દિવસ સુધી તેઓ અસહ્ય પીડા સાથે હોસ્પિટલના ઉંબરા ઘસતા રહ્યા હતા.
આ વિવાદ વકરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પીએમજેવાય (PMJAY) યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ પરિવાર દીઠ વાર્ષિક 10 લાખ સુધીની મફત સારવાર મળે છે, જેનો લાભ સિવિલમાં વધુમાં વધુ લેવામાં આવે છે. આ કાર્ડથી આવતા ફંડનો ઉપયોગ હોસ્પિટલની સુવિધાઓ વધારવા માટે થાય છે.
જોકે, કાર્ડ ન હોય તેવા દર્દીઓ માટે તેમણે સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ દર્દી પાસે કાર્ડ ન હોય તો તેની સારવાર રોકવામાં આવતી નથી. આવી સ્થિતિમાં ‘રોગી કલ્યાણ સમિતિ’ (RKS) કાર્યરત છે. આ સમિતિ પાસે વિશેષ સત્તા છે કે ગરીબ દર્દીને માનવતાના ધોરણે મફત સારવાર પૂરી પાડવી. દસ્તાવેજોના અભાવે કોઈ પણ દર્દીનું ઓપરેશન અટકવું જોઈએ નહીં. આ કિસ્સામાં પણ અમે હવે ઓપરેશન કરવાની ખાતરી આપી છે અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે.


