ગીરની તળેટીમાં આવેલા જૂનાગઢમાં વન્યજીવ સંરક્ષણની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થાય તેવી વધુ એક ઘટના સામે આવી છે. છેલ્લા બે દિવસમાં આ ત્રીજો વીડિયો વાયરલ થયો છે, જેમાં વન્યપ્રાણીઓ જંગલ છોડીને માનવ વસાહતોમાં ભટકતા જોવા મળી રહ્યા છે.
કચરાના ઢગલામાં ભટકતું હરણ
નવા વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક હરણ કચરાના ઢગલાની આસપાસ આંટાફેરા કરી રહ્યું છે અને ખોરાકની શોધમાં વ્યસ્ત છે. આ વીડિયો જૂનાગઢના પ્રખ્યાત ભવનાથ જંગલ વિસ્તારની નજીકનો હોવાનું માનવામાં આવે છે. જંગલના રહેવાસી એવા મૂક પ્રાણીને ખોરાક માટે કચરાના ઢગલા પર નિર્ભર રહેવું પડે, તે દ્રશ્ય સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યું છે.
વન વિભાગની કામગીરી પર સવાલોની હારમાળા
મહત્વનું છે કે, માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં જંગલમાંથી બહાર આવી ગયેલા હરણના આ ત્રીજા વિડિયોએ વન વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. શું જંગલ વિસ્તારમાં પૂરતો ખોરાક કે પાણી ઉપલબ્ધ નથી? શું વન્યજીવોના રહેઠાણ પર દબાણ વધી રહ્યું છે? પ્રાણીઓને વારંવાર રહેણાંક વિસ્તારમાં આવવા માટે મજબૂર થવું પડે, તે ગંભીર બેદરકારી સૂચવે છે. પર્યાવરણપ્રેમીઓએ માગ કરી છે કે વન વિભાગે તાત્કાલિક જંગલમાં વન્યજીવો માટે ખોરાક-પાણીની પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ અને માનવ-વન્યજીવ સંઘર્ષની સ્થિતિને ટાળવી જોઈએ.


