કેશોદ પોલીસ અને જુનાગઢ એલ.સી.બી.એ સંયુક્ત ઓપરેશન પાર પાડી રીઢા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તાજેતરમાં તા. ૦૪/૧૨/૨૦૨૫ ના રોજ કેશોદમાં એક મોબાઈલની દુકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ મધરાત્રે શટર બેન્ડ વાળી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાંથી: ૬૬ નંગ કિંમતી મોબાઈલ કિંમત રૂ. ૧૦,૨૯,૭૪૮, ૩ નંગ ઈયર બર્ડ કિંમત રૂ. ૨,૦૦૦/-, રોકડા રૂ. ૩,૯૭,૦૦૦/- મળી કુલ રૂ. ૧૪,૨૮,૭૪૮/- ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
કેશોદ પોલીસની ટીમે ટેકનિકલ એનાલીસીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી
તપાસ દરમિયાન બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાની ‘ચદ્દર ગેંગ’ ની સંડોવણી બહાર આવતા પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ હતી અને ત્યાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા શખ્સોમાં બિહાર રાજ્યના રાહુલ નમોનાથપ્રસાદ જયસ્વાલ અને મહંમદસફીક સુખલમીંયા તૈલી નો સમાવેશ થાય છે. આ ગેંગની ચોરી કરવાની પદ્ધતિ તેઓ મજૂરીના બહાને અન્ય રાજ્યોમાં જઈ મોબાઈલ શો-રૂમની રેકી કરે છે. ચોરી વખતે એક શખ્સ શટર ઊંચું કરી અંદર જાય ત્યારે અન્ય સાગરીતો બહાર ચાદર (ચદ્દર) પકડી ઉભા રહે છે જેથી કોઈને અંદરની ગતિવિધિ દેખાય નહીં.
ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના સાગરીતોને ઝડપી લીધા
પકડાઈ ન જવાય તે માટે તેઓ ચોરી દરમિયાન ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા નથી, ચોરી કરેલો માલ સરહદ પાર નેપાળમાં હસન નામના શખ્સને વેચી દે છે, પોલીસે આ કેસમાં વસીરખાન ઉર્ફે નેપાલી, મહંમદસમીર અને મઝહર નામના અન્ય ત્રણ શખ્સોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, આ ગેંગ અગાઉ પાટણના રાધનપુર, હરિયાણા અને રાજસ્થાનમાં પણ અનેક ગુન્હાઓ આચરી ચૂકી છે. આમ ગણતરીના દિવસોમાં 14 લાખના મોબાઇલની ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના સાગરીતોને ઝડપી લીધા છે અન્ય આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.


