જૂનાગઢમાં આજે એક શાળામાં જ્વલનશીલ પદાર્થ હોવાનો ફોન અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. જે કારણે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ફોન બાદ પોલીસ અને ડોગ સ્ક્વોડ શાળામાં પહોંચી હતી. ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કંઈપણ શંકાસ્પદ ન જણાતા શાળા સ્ટાફ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
શાળામાં અફરાતફરી સર્જાઈ
ઘટનાની મળતી વિગતો અનુસાર, જૂનાગઢની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ નામની શાળામાં બેનામી ફોન આવ્યો હતો, જે કારણે અફરાતફરી સર્જાઈ હતી. આ ફોનમાં શખ્સે જણાવ્યું હતું કે, શાળાની શિક્ષિકા જ્વલનશીલ પદાર્થ લઈને શાળામાં આવી છે. શાળાના બાળકોને આ શિક્ષિકાથી જીવનું જોખમ છે. આ ફેક કોલ બાદ પોલીસ ડોગ સ્ક્વોડ સાથે શાળા પર પહોંચી હતી. જે દરમિયાન ચેકિંગ કરતા કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જે કારણે શાળા સ્ટાફ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
પતિ-પત્ની વચ્ચે ઘણા લાંબા સમયથી અણબનાવ
પોલીસ દ્વારા આ ફોન કરનારની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, ફોન કરનાર શખ્સ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાનો પતિ છે. આ પતિ-પત્ની વચ્ચે ઘણા લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. જે કારણે શિક્ષિકાના પતિએ પત્ની સાથે બદલો લેવા આવો ફોન કર્યો હોવાનું સામે આવ્યું હતું. હાલ આ મામલે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો – Bharuch News: ઝઘડિયામાં ટ્રક અને ઈકો વચ્ચે અકસ્માત, ટ્રક ડ્રાઈવરનું મોત


