ટીપી રોડ કે નદીનાં પટમાં ગેરકાયદે બાંધકામને કોઇપણ પ્રકારનું કાયદાકીય રક્ષણ નહીં : હાઇકોર્ટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જંગલેશ્વર અને નાડોદા નગર વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા રહેવાસીઓ દ્વારા ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની માંગ સાથે કરવામાં આવેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.
જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકની અદાલતે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, નદીના પટમાં કે ટાઉન પ્લાનિંગના રોડ પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને કોઈ પણ પ્રકારનું કાયદાકીય રક્ષણ આપી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં દબાણ હટાવવામાં માટે મોટાપાયે કામગીરી પૂર્ણ કરાઈ છે. પ્રસ્તુત નિર્ણય ગત તા. 16 માર્ચના રોજ જાહેર કરાયો હતો પરંતુ તેનો ચુકાદો આજે ઉપલબ્ધ કરાયો હતો.
આ કેસની વિગતો મુજબ, આશરે 515 જેટલા અરજદારોએ બંધારણની કલમ 226 હેઠળ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. અરજદારોની દલીલ હતી કે તેઓ છેલ્લા 30 થી 60 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરે છે અને સરકારની 2010ની રેગ્યુલેશન તેમજ 2013ના ઠરાવ મુજબ તેઓ પુનઃવસન માટે હકદાર છે.
તેઓએ આક્ષેપ કર્યો હતો કે, સત્તામંડળ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ તેમને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે, જે તેમના રહેઠાણ અને આજીવિકાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.
સામે પક્ષે સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા તરફથી હાજર રહેલા સરકારી વકીલે આ અરજીનો સખત વિરોધ કર્યો હતો. કોર્પોરેશન દ્વારા સોગંદનામા પર જણાવવામાં આવ્યું હતું કે આ અરજી વિકાસના કાર્યોમાં અવરોધ ઊભો કરવાનો એક મલિન પ્રયાસ છે.
સત્તાધિકારીઓએ કોર્ટને જણાવ્યું કે, અરજદારો પૈકીના મોટાભાગના લોકો આજી નદીના પટમાં અથવા તો ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 6 ના સૂચિત રસ્તાઓ પર ગેરકાયદે કબજો જમાવીને બેઠા છે.
વધુમાં, કોર્પોરેશન દ્વારા એવો પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે અરજદારોએ પુનઃવસન માટે કોઈ સત્તાવાર રજૂઆત કરી નહોતી અને કેટલાક કિસ્સાઓમાં તો એક જ વ્યક્તિના નામ અલગ-અલગ ક્રમ પર દર્શાવીને અરજદારોની સંખ્યા ખોટી રીતે વધારવામાં આવી હતી.
અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ટાંકીને અવલોકન કર્યું હતું કે જળાશયો કે જાહેર રસ્તાઓ પર કરવામાં આવેલા દબાણોને માનવીય અભિગમ કે સહાનુભૂતિના આધારે ચલાવી લેવાય નહીં. કોર્ટે અગાઉના ચુકાદાઓ ના આધાર લીધા હતા જેમાં નોંધ્યું હતું કે અનધિકૃત બાંધકામો સામે લોખંડી હાથે કામ લેવું જરૂરી છે.
ન્યાયિક વિવેકબુદ્ધિ કાયદાકીય મર્યાદાઓથી બહાર જઈ શકે નહીં. જે રહેવાસીઓ ખરેખર ઝૂંપડપટ્ટી પુનઃવસન યોજના હેઠળ લાયક હોય, તેઓ વ્યક્તિગત રીતે જરૂરી દસ્તાવેજો સાથે સત્તામંડળને અરજી કરી શકે છે, પરંતુ તેના આધારે ચાલી રહેલી ડિમોલિશનની કામગીરી રોકી શકાય નહીં. અંતે, હાઇકોર્ટે આ અરજીમાં કોઈ મેરિટ ન હોવાનું જણાવી તેને રદ કરી હતી.


